મુંબઈ – મહાનગર મુંબઈમાં નવી 14 મેટ્રો રેલવે લાઈન નાખવાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. છ લાઈન પર કામકાજ ચાલુ પણ થઈ ગયું છે. પરંતુ આમાં, મેટ્રો લાઈન-3નો વિવાદ સર્જાયો છે. આ વિવાદ છે ગોરેગાંવ (પૂર્વ)સ્થિત આરે મિલ્ક કોલોનીમાં મેટ્રો કાર શેડ (મેટ્રો ટ્રેનો માટેનો ડેપો) બનાવવાને લગતો. આરે કોલોની લીલોતરીથી ભરપૂર છે. અસંખ્ય વૃક્ષોથી આ જંગલ વિસ્તાર છવાયેલો છે. એમાં મેટ્રો કાર શેડ બનાવવો હોય તો હજારો વૃક્ષ કાપી નાખવા પડે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારની કંપની મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) કાર શેડ બનાવવા મક્કમ છે, પણ સ્થાનિક લોકો, પર્યાવરણવાદીઓ અને શિવસેનાનો તેની સામે વિરોધ છે.
શિવસેના પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર ચલાવવામાં ભારતીય જનતા પાર્ટીની ભાગીદાર છે.
શિવસેનાની યુવા સેનાનાં વડા આદિત્ય ઠાકરેએ શિવસેનાનાં વિરોધની આગેવાની લીધી છે.
‘આરે કોલોનીમાં જો મેટ્રો કારશેડ બનાવવા દેવામાં નહીં આવે તો મેટ્રો લાઈન-3 પ્રોજેક્ટ જ નહીં બને’ એવી MMRCL કંપનીએ ગઈ કાલે કરેલી જાહેરાતનો આદિત્ય ઠાકરેએ જવાબ આપ્યો છે કે અમારો વિરોધ મેટ્રો રેલવે યોજના સામે નથી, પરંતુ હરિયાળીથી ભરપૂર એવા આરે કોલોની વિસ્તારમાં કાર શેડ બાંધવામાં આવે એની સામે છે.
દાદર સ્થિત સેના ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં આદિત્ય ઠાકરેએ ભાજપને પડકાર ફેંક્યો છે કે તમારામાં હિંમત હોય તો આરે કોલોનીની હરિયાળીને સ્પર્શ કરી બતાવો. આરેની જમીનને ટચ કરશો નહીં.
મહારાષ્ટ્રમાં આવતા જ મહિને રાજ્ય વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે બંને ભાગીદાર-મિત્ર પક્ષમાં થયેલા ઝઘડાએ રસપ્રદ વળાંક લીધો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે વૃક્ષો કપાય એની તરફેણ કરી રહ્યા છે.
આરે કોલોનીને જંગલ વિસ્તાર તરીકે સત્તાવાર રીતે ઘોષિત કરવામાં આવે એવી આદિત્ય ઠાકરેએ માગણી કરી છે.