મુંબઈ – મુંબઈમાં આ વખતે ચોમાસું બહુ લંબાઈ ગયું છે. છેલ્લા એક દાયકામાં ચોમાસું બેસવામાં આ સૌથી લાંબો વિલંબ થયો છે. 12 દિવસ મોડું થયું છે, હજી મહારાષ્ટ્રના ઉત્તર કોંકણ ભાગમાં જ ચોમાસું બેસતા ચારેક દિવસ લાગશે. તે પછી મુંબઈનો વારો આવશે.
હવામાન વિભાગે ગયા ગુરુવારે એવી આગાહી કરી હતી કે દક્ષિણ કોંકણ અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ ઉત્તર કોંકણ અને મુંબઈ મહાનગરમાં ચોમાસું બેસતા હજી ચાર-પાંચ દિવસ લાગશે.
મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસું દર વર્ષે 10 જૂનની આસપાસ બેસી જતું હોય છે, પણ આ વખતે એની નવી તારીખ આવી છે, 27 જૂન. હવામાનના ‘અલ નિનો’ પરિબળને કારણે આ મુસીબત સર્જાઈ છે. પશ્ચિમી પેસિફિક સમુદ્રમાંથી ગરમ પવન પૂર્વ તરફ ફૂંકાવાને કારણે ચોમાસું નબળું પડી ગયું છે.
ગયા વર્ષે 9 જૂને મુંબઈમાં ચોમાસું બેસી ગયું હતું. 2016માં ચોમાસાએ મુંબઈમાં આગમન કરવામાં 20 જૂનની તારીખ કરી નાખી હતી.
કેરળ રાજ્યમાં ચોમાસું મોડું બેસવાને કારણે એની અસર મુંબઈને પણ થઈ છે.