મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ

મુંબઈ – અત્રે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યાલય ખાતે મળેલી બેઠક વખતે પક્ષના કાર્યકર્તાઓ આપસમાં મારામારી પર ઉતરી આવ્યા હતા.

તાજેતરમાં યોજાઈ ગયેલી લોકસભા ચૂંટણીમાં પક્ષના થયેલા પરાજય અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. એ વખતે દલીલબાજી થઈ હતી એમાંથી કેટલાક કાર્યકર્તાઓ ઝઘડી પડ્યા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા.

પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને મામલો ઠંડો પાડવો પડ્યો હતો.

નવાઈની વાત એ છે કે પક્ષના પ્રમુખ શરદ પવારની હાજરીમાં જ આ ઘટના બની હતી.

લોકસભા ચૂંટણીમાં પરાજયને લીધે એનસીપીમાં વિવાદ આમ સપાટી પર આવી ગયો છે.

આજની બેઠક પક્ષપ્રમુખ શરદ પવારના અધ્યક્ષપદ હેઠળ બોલાવવામાં આવી હતી. મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારના ચાર જિલ્લાના પક્ષના નેતાઓ સાથે હોલની અંદર ચર્ચા ચાલુ હતી ત્યારે બહાર કાર્યકર્તાઓમાં મારામારી થઈ હતી અને તંગદિલીભર્યું વાતાવરણ ઊભું થયું હતું. ઘટનાસ્થળે હાજર પોલીસોએ તત્કાળ હસ્તક્ષેપ કરીને મામલો શાંત પાડ્યો હતો.

બેઠકમાં પવાર ઉપરાંત એમના ભત્રીજા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, પક્ષના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ સહિત અનેક ટોચના નેતાઓ હાજર હતા.