મુંબઈમાં વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી

મુંબઈઃ છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈ શહેર તથા પડોશના વિસ્તારોમાં હવામાનમાં મોટો ફેરફાર થયો છે. વાતાવરણ ભેજવાળું થવાથી અને સહેજ ઠંડક વર્તાતી હોવાથી શહેરીજનો ખુશ છે.

શહેરમાં અનેક સ્થળે રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. એને કારણે નાગરિકોને રેનકોટ કે છત્રી સાથે ઘરની બહાર નીકળવાની ફરજ પડી છે. એમાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં શહેરમાં વરસાદનું જોર વધશે. વેધશાળાએ મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને નવી મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ ઘોષિત કર્યું છે. આજથી લઈને આવતા બે દિવસ સુધી મુંબઈમાં અમુક ઠેકાણે ધોધમાર વરસાદ પડવાનું અનુમાન છે.

બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો છે. એને લીધે ઓડિશા અને છત્તીસગઢ રાજ્યોમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે. એની અસર મહારાષ્ટ્રના હવામાન ઉપર પણ થઈ રહી છે. તેથી આવતા બે-ત્રણ દિવસ મુંબઈમાં વરસાદનું જોર વધી શકે છે. આવતીકાલથી 10-દિવસનો ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે, પરંતુ વરસાદી વાતાવરણને કારણે ભક્તોના ઉત્સાહને થોડોક ફટકો પડ્યો છે.