મુંબઈ – મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણસંસ્થાઓમાં 16 ટકા બેઠક અનામત રાખવામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરાતા વિલંબ સામેના વિરોધમાં મરાઠા આંદોલનકારોએ આજે બપોરે અહીં જેલ ભરો આંદોલન કર્યું હતું.
આંદોલનકારો દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે એકત્ર થયા હતા અને બપોરે એક વાગ્યાથી જેલ ભરો આંદોલન પોકાર્યું હતું.
આ આંદોલન મરાઠા ક્રાંતિ મોરચાની આગેવાની હેઠળના અનામત-તરફી જૂથોએ કર્યું હતું.
પોલીસે જોકે આંદોલન સ્થળે કડક બંદોબસ્ત રાખ્યો હતો. આજના આંદોલનથી શહેરમાં રોડ ટ્રાફિક કે ટ્રેન સેવા ખોરવાયા નહોતા.
આ આંદોલન મરાઠા સમાજના લોકો 9 ઓગસ્ટ સુધી ચાલુ રાખવાના છે અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ આવું આવું આંદોલન કરશે.
મરાઠાઓની માગણી છે કે તાજેતરમાં મુંબઈ સહિત મહારાષ્ટ્ર બંધ દરમિયાન થયેલી હિંસાખોરીમાં એમના સમાજના જે લોકો સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યા છે તે પાછા ખેંચવામાં આવે.