બીડ (મહારાષ્ટ્ર): મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓમાં અને શિક્ષણ ક્ષેત્રમાં બેઠકો અનામત રાખવાની માગણી કરી રહેલા એક જૂથના દેખાવકારોએ આજે અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેના ઘરને આગ લગાડી હતી. સોલંકેએ કહ્યું છે કે પોતે અને એમના પરિવારજનો સુરક્ષિત છે. આગમાં એમના ઘરને મોટું નુકસાન થયું છે. સોલંકેએ વધુમાં કહ્યું, ‘હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હું મારા ઘરમાં જ હતો. સદ્દનસીબે, મને કે મારા પરિવારજનોને કે અમારા ઘરના સ્ટાફનાં સભ્યોને કોઈ ઈજા નથી થઈ. અમે બધા જ સુરક્ષિત છીએ, પણ અમારા ઘરને ઘણું નુકસાન પહોંચ્યું છે.’
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગણી પર મનોજ જરાંગે પાટીલ નામના કાર્યકર્તા ગઈ 25 ઓક્ટોબરથી જાલના જિલ્લામાં અંતરવાલી સરાટી ગામમાં બેમુદત ઉપવાસના આંદોલન પર ઉતર્યા છે. એનસીપીના વિધાનસભ્યના ઘરને આગ ચાંપવાની ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે, મનોજ જરાંગે પાટીલે સમજવું જોઈએ કે એમના આંદોલને કેવો હિંસક વળાંક લીધો છે. આ આંદોલન ખોટી દિશામાં જઈ રહ્યું છે. જે લોકો હિંસા કરી રહ્યા છે તેઓ એ વાત ધ્યાનમાં રાખે કે આને લીધે મરાઠા સમાજને અને એમના પરિવારજનોને ભોગવવું પડી રહ્યું છે.