મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા આ વર્ષે લેવામાં આવેલી બારમા ધોરણ (એચએસસી)નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. એ 85.88 ટકા આવ્યું છે.
દર વર્ષની જેમ આ વખતના પરિણામમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓ વધારે સંખ્યામાં પાસ થઈ છે.
છોકરાઓ કરતાં 7.85 ટકા વધારે છોકરીઓ પાસ થઈ છે.
મુંબઈ વિભાગનું પરિણામ 83.85 ટકા આવ્યું છે.
મુંબઈમાં છોકરીઓની પાસ થવાની ટકાવારી 90.25% છે જ્યારે છોકરાઓની 82.40%.
મહારાષ્ટ્રમાં આશરે 4470 વિદ્યાર્થીઓએ 90 ટકા કે તેથી વધારે માર્ક્સ મેળવ્યા છે.
મુંબઈમાં, ગુજરાતી પરિવારની જોડિયાં બહેનો ઉર્મી અને વિધિ અલ્પેશ શાહે પરીક્ષામાં એક સરખા માર્ક્સ મેળવ્યાં છે – 91.38 ટકા.
સમગ્ર રાજ્યમાં કુલ 14 લાખ 91 હજાર 306 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમાં છોકરાઓની સંખ્યા 8 લાખ 42 હજાર 919 હતી જ્યારે છોકરીઓની સંખ્યા 6 લાખ 48 હજાર 151 હતી.
આઈપેડ દ્વારા પરીક્ષા આપનાર નિશિકા નામની છોકરીને 73 ટકા માર્ક્સ આવ્યા છે. એ મુંબઈની સોફિયા કોલેજની વિદ્યાર્થિની છે.
સૈરાટની આર્ચી (રિંકુ રાજગુરુ)ને 82 ટકા
મરાઠી સુપરહિટ ફિલ્મ ‘સૈરાટ’માં આર્ચીની ભૂમિકા કરનાર અભિનેત્રી રિંકુ રાજગુરુ 82 ટકા માર્ક્સ સાથે પાસ થઈ છે. એણે સોલાપુરમાંથી પરીક્ષા આપી હતી. એણે સૌથી વધારે માર્ક ભૂગોળમાં મેળવ્યાં છે. રિંકુનું સાચું નામ પ્રેરણા રાજગુરુ છે. એણે 10મા ધોરણમાં 66.40 ટકા માર્ક મેળવ્યા હતા. એની સૈરાટ ફિલ્મે 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિંકુને એ ફિલ્મ માટે 2015માં સ્પેશિયલ મેન્શનનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ વખતે મહારાષ્ટ્રમાં બારમીના પરિણામમાં કોકણ વિભાગે બાજી મારી છે. એનું પરિણામ સૌથી વધારે આવ્યું છે જ્યારે નાગપુર વિભાગનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે.
કોકણ વિભાગ – 93.23 ટકા
પુણે – 87.88 ટકા
અમરાવતી – 87.55 ટકા
કોલ્હાપુર – 87.12 ટકા
લાતુર – 86.08 ટકા
નાશિક – 84.77 ટકા
મુંબઈ – 83.85
નાગપુર – 82.51 ટકા.
શાખાનુસાર જોઈએ તો, વિજ્ઞાન (સાયન્સ) શાખામાં પરિણામ 92.60 ટકા આવ્યું છે જ્યારે વાણિજ્ય (કોમર્સ)નું 88.28 ટકા અને કળા(આર્ટ્સ)નું 75.45 ટકા આવ્યું છે.