ઓસ્કર એકેડેમી મુંબઈમાં કાર્યાલય શરૂ કરશે; એશિયા ખંડમાં પ્રથમ

0
1068

મુંબઈ – દર વર્ષે હોલીવૂડની ફિલ્મો માટે કલાકારો, કસબીઓને પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ આપતી એકેડેમી એવોર્ડ્સ અથવા એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ સાયન્સીસ સંસ્થાએ ભારતમાં તેનું કાર્યાલય શરૂ કરવાનું નક્કી કર્યું છે અને એ માટે તેણે મુંબઈને પસંદ કર્યું છે.

આ બોલીવૂડ ફિલ્મી નગરીમાં કાર્યાલય શરૂ કરવાની એકેડેમી એવોર્ડ્સ સંસ્થાને મહારાષ્ટ્ર સરકારે પરવાનગી આપી દીધી છે.

એશિયા ખંડમાં એકેડેમીની આ પહેલી જ ઓફિસ હશે.

એકેડેમીની હાલ બે ઓફિસ છે – એક, લંડનમાં અને બીજી ન્યુયોર્કમાં.

ઓસ્કર એકેડેમીના પ્રમુખ જોન બેલી શનિવારે મુંબઈમાં મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન વિનોદ તાવડેને મળ્યા હતા અને ત્યારબાદ તાવડેએ ટ્વિટર પર સમાચાર રિલીઝ કર્યા હતા. તાવડેએ બેલીને આવકાર્યા હતા અને એમની સાથેની તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી.

તાવડેએ કહ્યું કે મુંબઈમાં ઓસ્કર ઓફિસ શરૂ કરવા માટે ભારતની મનોરંજન રાજધાની તેના દ્વાર ખોલી દીધા છે અને મહારાષ્ટ્ર સરકારે પણ એ માટે પરવાનગી આપી દીધી છે.

જોન બેલીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી મોટી ફિલ્મ નિર્માણ કરતો દેશ છે. આ દેશ દર વર્ષે 1800 ફિલ્મ બનાવે છે, જે અમેરિકામાં અમારી કરતાં ચાર ગણી મોટી સંખ્યા છે. તેથી મુંબઈમાં અમારી ઓફિસ શરૂ કરવાનો અમારો તર્ક યોગ્ય છે.

જોન બેલી એમના પત્ની કેરોલ સાથે મુંબઈની ચાર-દિવસની મુલાકાતે આવ્યા છે. એમના પત્ની એકેડેમી એવોર્ડ્સ સંસ્થાના ગવર્નર છે.

ઓસ્કર એકેડેમીના પ્રમુખ ભારત આવ્યા હોય એવો સંસ્થાના 90 વર્ષના ઈતિહાસમાં આ પહેલો જ પ્રસંગ છે.