મુંબઈઃ દેશમાં બિલ્ડરોની સર્વોચ્ચ સંસ્થા છે CREDAI (કોન્ફેડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપર્સીસ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા). આમાં મહારાષ્ટ્રના 3,000 બિલ્ડરો સામેલ છે. એમણે ધમકી આપી છે કે બાંધકામ સામગ્રીના ભાવ આસમાને ગયા હોવાથી તેઓ બાંધકામ સ્થળોએ કામકાજ અટકાવી દેશે. જો કામકાજ બંધ થશે તો ફ્લેટ્સની કિંમત વધી જશે અને ખરીદદારોને ફ્લેટનો કબજો નિયત કરેલા સમયે આપવામાં આવેલા વચનનું પાલન કરવામાં વિલંબ થશે.
CREDAIના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ સુનીલ ફૂરડેએ એક નિવેદનમાં કહ્યું છે કે સીમેન્ટ, સ્ટીલ, રેતી, ઈંટ તથા મકાન બાંધકામ માટે જરૂરી બીજી તમામ ચીજવસ્તુઓ-સામગ્રીના ભાવ છેલ્લા એક વર્ષમાં સ્થિર ગતિએ વધ્યા છે અને હવે આસમાને પહોંચી ગયા છે. બિલ્ડરોને તે પરવડી શકે એમ નથી. મકાન બાંધકામમાં સૌથી મહત્ત્વની સામગ્રી છે સ્ટીલ, જેનો પ્રતિ ટન ભાવ રૂ. 42,000થી વધીને રૂ. 85,000 થઈ ગયો છે. સીમેન્ટની ગુણીનો ભાવ રૂ. 260થી વધીને રૂ. 400, ચાર-ઈંચની ઈંટની કિંમત પ્રતિ 1000 રૂ. 6,500થી વધીને રૂ. 8,000 થઈ ગઈ છે. એવી જ રીતે, રેતીનો ભાવ પણ ઘણો વધી ગયો છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વાયર, ફિટિંગ્સ, ટાઈલ્સ, પાઈપ્સ, સેનિટરી ચીજવસ્તુઓ, મજૂર ખર્ચ – આ બધામાં પણ આશરે 40 ટકા કિંમત વધી ગઈ છે. આ બધા ભાવવધારાને કારણે બિલ્ડરોને મકાનો બાંધવાનું પરવડી શકે એમ નથી. તેથી CREDAI મહારાષ્ટ્રના તમામ સભ્યો તમામ પ્રકારની બાંધકામ પ્રવૃત્તિઓને અટકાવી દેવાનું વિચારે છે.