મુંબઈઃ મહાભારત ટીવી સિરિયલમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજ અને એમની પત્ની સ્મિતાએ છૂટાછેડા લીધાની ભારદ્વાજે જાહેરાત કરી છે. સ્મિતા ઘાટે આઈએએસ અધિકારી છે. બંનેનાં 12 વર્ષના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. નીતિશ ભારદ્વાજ અને સ્મિતાને સંતાનમાં જોડિયા પુત્રીઓ છે જેઓ હાલ ઈન્દોરમાં એમની માતા સાથે રહે છે. નીતિશે અગાઉ મોનિશા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. એ લગ્નજીવન 1991થી 2005 સુધીનું રહ્યું હતું. એ લગ્નથી નીતિશને એક પુત્રી અને એક પુત્ર છે. ત્યારબાદ નીતિશે 2009માં સ્મિતા સાથે લગ્ન કર્યા હતા.
‘બોમ્બે ટાઈમ્સ’ને આપેલી એક મુલાકાતમાં, ભારદ્વાજે કહ્યું કે, ‘હા મેં જ 2019ના સપ્ટેમ્બરમાં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી. અમે શા માટે છૂટાં પડી ગયાં છીએ એના કારણો જણાવવાની મારી ઈચ્છા નથી. મામલો હવે કોર્ટમાં છે. હું માત્ર એટલું કહી શકું કે કેટલીક વાર છૂટાછેડા મોત કરતાંય વધારે પીડાકારક હોય છે, કારણ કે તમે એક કપાયેલા અંગ સાથે જીવતા હો છો. હું લગ્ન-વ્યવસ્થામાં માનનારો છું, પરંતુ હું એમાં કમનસીબ રહ્યો છું. સામાન્ય રીતે, લગ્નજીવન ભાંગી પડવા પાછળના અનેક કારણો હોય છે. કોઈક વાર જક્કી સ્વભાવ કારણરૂપ હોય, ક્યારેક દયાભાવનો અભાવ હોય, અહંકાર પણ એનું કારણ હોઈ શકે અને આત્મકેન્દ્રિત વિચારધારા. પરંતુ જ્યારે કોઈ પરિવાર તૂટે છે ત્યારે સૌથી વધારે માઠી અસર થાય છે બાળકોને. તેથી જવાબદાર માતા-પિતા, બંને ગણાય છે.’