મુંબઈ – આગામી લોકસભા ચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ 184 નામોની યાદીમાં પાર્ટીએ મુંબઈની બે બેઠક માટે પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે.
પૂનમ મહાજનને મુંબઈ ઉત્તર-મધ્ય મતવિસ્તાર માટે પસંદ કરવામાં આવ્યાં છે તો મુંબઈ ઉત્તર બેઠક માટે ગોપાલ શેટ્ટી પર પસંદગી ઉતારવામાં આવી છે. આ બંને ઉમેદવારને જોકે રીપીટ કરવામાં આવ્યાં છે. બંને જણે 2014ની ચૂંટણીમાં જીત મેળવી હતી.
ભાજપનાં સ્વર્ગસ્થ નેતા પ્રમોદ મહાજનનાં પુત્રી પૂનમ મહાજને ગઈ વેળાની ચૂંટણીમાં કોંગ્રેસનાં પ્રિયા દત્તને હરાવ્યાં હતાં. તો ગોપાલ શેટ્ટીએ કોંગ્રેસના સંજય નિરુપમને પરાજય આપ્યો હતો. ગોપાલ શેટ્ટીએ ગઈ વેળાની ચૂંટણીમાં નિરુપમને 4 લાખ 46 હજાર મતના માર્જિનથી હરાવ્યા હતા.
બોલીવૂડ અભિનેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સ્વ. સુનિલ દત્તનાં પુત્રી પ્રિયા દત્ત આ વખતે ચૂંટણી લડવા માગતાં નહોતાં. પાર્ટીમાં આંતરિક ખટરાગને કારણે એ નારાજ હતાં. જોકે બાદમાં એમને સમજાવી લેવામાં મુંબઈ કોંગ્રેસનાં મોવડીઓ સફળ થયા હતા.
આમ હવે આ વખતે મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પર ફરી પૂનમ અને પ્રિયા વચ્ચે મુકાબલો થશે.
મુંબઈ ઉત્તર બેઠક એટલે ગુજરાતીઓની બહુમતી. આ બેઠકને જાળવી રાખવા માટે ગોપાલ શેટ્ટી ફેવરિટ ગણાય છે, પણ ગુજરાતીઓનાં વોટ મેળવવા માટે કોંગ્રેસ પાર્ટી કોઈક ગુજરાતી ઉમેદવારને શોધે છે.
પહેલી યાદીમાં કિરીટ સોમૈયાનું નામ ગાયબ છે. સોમૈયાને આ વખતે ટિકિટ ન આપવાનો ભાજપના ભાગીદાર શિવસેનાએ આગ્રહ રાખ્યો હોવાનું કહેવાય છે. સોમૈયા શિવસેનાનાં આકરા ટીકાકાર છે એ જાણીતી વાત છે.