મહારાષ્ટ્રમાં મર્સિડીઝ કારમાંથી મળી આવી બે કરોડ રૂપિયાની રોકડ રકમ

મુંબઈ – દેશના અન્ય તમામ ભાગોની જેમ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

આ જિલ્લાના અમલનેર ગામમાં એક ચેક-પોસ્ટ નજીક ઈલેક્શન વિજિલન્સ ટૂકડીના સભ્યોએ એક મર્સિડીઝ કારમાંથી રૂ. બે કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. આ બનાવના સંદર્ભમાં એમણે બે જણની ધરપકડ પણ કરી છે.

ચૂંટણી આચારસંહિતાના અમલના સંદર્ભમાં ચૂંટણી પંચની આ ટીમ ચેકનાકા પર ચાંપતી નજર રાખી રહી હતી. એ દરમિયાન એક કાર પર શંકા જતા એમણે તેને રોકી હતી અને અંદર તલાશી લીધી હતી. એમના આશ્ચર્ય વચ્ચે અંદરથી રૂપિયા બે કરોડની રોકડ રકમ મળી આવી હતી.

એ રકમ બે બેગમાં રાખવામાં આવી હતી. કારમાંથી કોઈ પ્રકારનું ચૂંટણી સાહિત્ય મળી આવ્યું નહોતું.

કારના આગળના કાચ પર ડાબી બાજુએ ‘PRESS’ લખ્યું હતું, પરંતુ અધિકારીઓને શંકા ગઈ હતી અને એમણે કારને રોકી હતી.

આ રકમ એમણે આવકવેરા વિભાગને સુપરત કરી દીધી છે અને આ કેસમાં તપાસ ચાલુ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટે ચૂંટણી થવાની છે. એ માટે રાજ્યમાં મતદાન ચાર તબક્કામાં થશે, જેની તારીખો છે – એપ્રિલ 11, 18, 23 અને 29.