મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસ પાર્ટીએ મુંબઈ-ઉત્તર લોકસભા બેઠક માટે પોતાનાં ઉમેદવાર તરીકે ઘોષિત કર્યાં છે.
કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મુંબઈ-ઉત્તર બેઠકમાંથી ઉર્મિલાને ચૂંટણીમાં ઊભાં રાખવાનો નિર્ણય લીધો છે.
ઉર્મિલા સામનો કરશે ભાજપના વર્તમાન સંસદસભ્ય ગોપાલ શેટ્ટીનો.
મુંબઈ-ઉત્તર મતવિસ્તારમાં ગોપાલ શેટ્ટી એક પ્રતિષ્ઠિત નામ છે એટલે એમને હરાવીને એ બેઠક કોંગ્રેસને અપાવવાનું ઉર્મિલા માટે કઠિન કામ છે.
ઉર્મિલા માતોંડકરે આજે મુંબઈના બોરીવલીમાં કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી ત્યારે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યકર્તાઓ અને પત્રકારોને સંબોધિત કરતાં ઉર્મિલાએ કહ્યું કે, ‘હું મુંબઈકર છું કે મરાઠી છું એ કાર્ડનો ચૂંટણીમાં જરાય ઉપયોગ નહીં કરું. હું કાર્ય કરીને બતાવીશ, એવી ખાતરી હું લોકોને આપું છું. મારાં લગ્ન અને ધર્મ અંગે વિવાદ ઊભો કરનારાઓ નિમ્ન પ્રકારની મનોવૃત્તિવાળા છે. હું એમને મહત્ત્વ આપતી નથી.’
ઉર્મિલા ગયા બુધવારે નવી દિલ્હીમાં પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયાં હતાં. એ વખતે મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મિલિંદ દેવરા, તેમજ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તાઓ – પ્રિયંકા ચતુર્વેદી અને રણદીપ સુરજેવાલા પણ ઉપસ્થિત હતાં.
મુંબઈમાં 29 એપ્રિલે મતદાન થશે.
મુંબઈ-ઉત્તર મતવિસ્તારમાં 17.83 લાખ મતદારો છે. એમાં 40 ટકા ગુજરાતીઓ છે. ત્યારબાદ મહારાષ્ટ્રિયનો, ઉત્તર ભારતીયો તથા મુસ્લિમો, જૈન, ખ્રિસ્તી અને પારસી જેવી લઘુમતી કોમોનાં લોકો આવે છે.
કોંગ્રેસે મુંબઈની બીજી ચાર બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
મુંબઈ ઉત્તર-પશ્ચિમ માટે સંજય નિરુપમ, મુંબઈ ઉત્તર-મધ્ય માટે પ્રિયા દત્ત, મુંબઈ-દક્ષિણ માટે મિલિંદ દેવારા અને મુંબઈ દક્ષિણ-મધ્ય માટે એકનાથ ગાયકવાડ. સંજય નિરુપમ 2014ની ચૂંટણીમાં ગોપાલ શેટ્ટી સામે હારી ગયા હતા.