મહારાષ્ટ્રમાં તમામ 48 મતવિસ્તારોમાં સર્વ-મહિલા સંચાલિત હશે ‘સખી મતદાન કેન્દ્રો’

મુંબઈ – આવતા મહિને નિર્ધારિત લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ વધુ સંખ્યામાં મતદાન કરવા પ્રોત્સાહિત થાય એવા સારા ઉદ્દેશ્ય સાથે ચૂંટણી પંચ મહારાષ્ટ્રમાં પ્રત્યેક લોકસભા મતવિસ્તારમાં તમામ-મહિલાકર્મીઓ દ્વારા સંચાલિત પોલિંગ બૂથ ઊભાં કરશે.

ચૂંટણી પંચના આદેશોને પગલે મહારાષ્ટ્રમાં લોકસભા બેઠકો ખાતે સર્વ-મહિલાકર્મીઓ દ્વારા સંચાલિત મતદાન બૂથમાં તમામ કામગીરીઓ મહિલાઓ જ સંભાળશે.

આવા મતદાન કેન્દ્રોને ‘સખી મતદાન કેન્દ્ર’ નામ આપવામાં આવ્યું છે. ત્યાં પોલીસ, ચૂંટણી અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ – એમ બધી મહિલાઓ જ હશે.

લૈંગિક સમાનતા અને મતદાર પ્રક્રિયામાં મહિલાઓને અધિક રચનાત્મક સહભાગી કરવા માટે ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે લોકસભા ચૂંટણી માટે મહિલાઓ સંચાલિત મહિલા મતદાન કેન્દ્ર હશે.

સર્વ મહિલા સંચાલિત મતદાન કેન્દ્રોમાં કોઈ વિશિષ્ટ રંગ વાપરવામાં આવશે નહીં તેમજ મતદાન કેન્દ્રોમાં ક્યાંય પણ ચોક્કસ રાજકીય પક્ષોનાં રંગોનો બિનજરૂરી રીતે ઉપયોગ કરવાનું ટાળવાની પણ ચૂંટણી પંચે સ્પષ્ટ સૂચના આપી છે.

સખી મતદાન કેન્દ્રોમાં ફરજ બજાવનાર મહિલા એની પસંદનાં કોઈ પણ રંગનાં પોશાકમાં સજ્જ થઈને આવી શકશે.

સખી મતદાન કેન્દ્ર વધુને વધુ આકર્ષક અને સુંદર બનાવવા માટે ત્યાં રંગોળીઓ પૂરવામાં આવશે અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

ગઈ વેળાની ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે મહિલા મતદારોની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે.

ચૂંટણી પંચને વિશ્વાસ છે કે સખી મતદાર કેન્દ્રના સ્થાપનથી મહિલાઓ વધુ સંખ્યામાં મતદાન કરવા આવશે.

મહિલા મતદાન કેન્દ્રની સુરક્ષા કેન્દ્ર સરકારને હસ્તક આપવામાં આવી છે.