મુંબઈ – મહાન પાર્શ્વગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરે તાજેતરમાં કશ્મીરના પુલવામા જિલ્લામાં ભયાનક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એમના દુઃખી પરિવારજનો માટે 1 કરોડ પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે.
આ મદદ લતા મંગેશકર અને માસ્ટર દીનાનાથ મંગેશકર પ્રતિષ્ઠાન તરફથી ભારતીય જવાનોનાં પરિવારજનો માટે આપવામાં આવી છે.
દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ નિમિત્તે આ મદદ વિશે લતા મંગેશકરે જાહેરાત કરી છે.
ગઈ 14 ફેબ્રુઆરીએ પુલવામા જિલ્લામાં એક આત્મઘાતી હુમલામાં 40 ભારતીય જવાન શહીદ થયા હતા. એને કારણે દેશભરમાં શોક ફરી વળ્યો છે. અનેક જાણીતી હસ્તીઓએ શહીદોનાં પરિવારો માટે વ્યક્તિગત રીતે કે પોતપોતાની સંસ્થાઓ વતી આર્થિક મદદ જાહેર કરી છે.
પોતાનાં જાનની પરવા કર્યા વિના દેશનું રક્ષણ કરતા જવાનો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરે આ આર્થિક મદદની જાહેરાત કરી છે. એમણે વ્યક્તિગત રીતે એક કરોડ રૂપિયા તેમજ માસ્ટર દીનાનાથ મંગેશકર પ્રતિષ્ઠાન વતી પાંચ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.
લતા મંગેશકરે મહારાષ્ટ્ર ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સિનેમાજગતમાં અનેક લોકો વખતોવખત દેશના વીર જવાનો માટે આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. આ વખતે પણ ઘણા લોકોએ મદદ કરી છે. અમે પણ અમારા તરફથી મદદ કરી છે. ભૂતકાળમાં મેં મારાં એક જન્મદિવસ નિમિત્તે લોકોને વિનંતી કરી હતી કે તમે મને જન્મદિવસના અભિનંદન માટે ફૂલો મોકલાવો છો, ભેટસોગાદો મોકલાવો છે.. પણ આ માટે પૈસા ખર્ચ ન કરીને સૈનિકો માટે ખર્ચ કરો. મારી આ વિનંતીનો લોકોએ ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે.
લતા મંગેશકરે દાયકાઓ પહેલાં શહીદ જવાનો માટે ગાયેલું ભાવનાત્મક ગીત ‘ઐ મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની’ યાદગાર બની ગયું છે.