‘મારા સાહિત્ય સર્જનમાં મા સરસ્વતીનો હાથ, હું તો માત્ર નિમિત્ત’: દિનકર જોષી

મુંબઈઃ ‘મારાથી જે પણ કંઈ સર્જન થયું છે તે માતા સરસ્વતીની કૃપા-આશિર્વાદ છે, હું તો માત્ર નિમિત્ત છું’, આ શબ્દો છે ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર-વિચારક ડો.દિનકર જોષીના. ગયા રવિવારે તા. ૨ ઓકટોબરે મહાત્મા ગાંધીની જન્મતિથિએ કાંદિવલી ખાતે કેઈએસ (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) દ્વારા ડો. દિનકર જોષી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પોતાના પ્રતિભાવમાં દિનકરભાઈએ બહુ સરળ અને સહજ ભાવે આ વાત કરી હતી. તેમણે પોતાના વિવિધ પુસ્તકો-ગ્રંથોના સર્જનની આસપાસના પ્રસંગોની રસપ્રદ વાતો કરી હતી, જેમાં ‘પ્રકાશનો પડછાયો’, ‘મહામાનવ સરદાર’, ‘શ્યામ એકવાર આવોને આંગણે’, ‘ચક્રથી ચરખા સુધી’, વગેરેનો સમાવેશ થતો હતો. ‘માનવીને સમજવાની મથામણમાંથી મારી લેખનયાત્રા શરુ થઈ હતી’ એમ જણાવતા તેમણે કહ્યુ હતું કે આ યાત્રામાં ત્યારબાદ એક તબક્કે માનવીને સમજવાને બદલે જાતને ઓળખવાની અને સમજવાની યાત્રા શરુ થઈ હતી. આજે હવે ઉંમરના ૮૬ વરસના પડાવે બધાં માન-સન્માનથી પર થઈને દ્રષ્ટા બની ગયો છું. ઘણીવાર મને સવાલ થાય છે, શું એ દિનકર જોષી હું જ છું? આ બધું કોણે લખાવ્યું? કઈ રીતે લખાયું? કંઈ જ ખબર નથી.’ દિનકરભાઈએ વધુમાં કહ્યું કે, ‘જેમ એક કપ ચા બનાવવામાં આપણને ગેસ-ચૂલો, લાઈટર કે માચીસ, તપેલી, પાણી, દૂધ, ખાંડ, ચા, મસાલો, સાણસી, ગળણી, રકાબી અને કપ એમ કેટલીય વસ્તુ ભેગી થાય ત્યારે એક કપ ચા આપણને મળે છે, એમ, માનવીના ઘડતરમાં પણ કેટલાય લોકોનો સહયોગ પહોંચતો હોય છે.’

ડો.દિનકર જોષીની સાહિત્યસર્જનની યાત્રાના એક અનોખા ઉત્સવ “શબ્દથી સર્જક સુધી…” કાર્યક્રમના આરંભમાં સંવિત્તિ સંસ્થાના પ્રમુખ કીર્તિભાઈ શાહે કેઈએસ વતી સૌનું સ્વાગત કરી કાર્યક્રમની ભૂમિકા સાથે દિનકરભાઈના સર્જનની ઝલક જણાવી હતી. ત્યારબાદ સર્જક ડો. દિનકર જોષીના પ્રસિદ્ધ પુસ્તકો-ગ્રંથો ‘ચક્રથી ચરખા સુધી’, ‘શ્યામ એકવાર આવોને આંગણે’, ‘પ્રકાશનો પડછાયો’, ચિત્રગુપ્તનો ચોપડો,‘એક ટુકડો આકાશનો’, ‘અયોધ્યાનો રાવણ અને લંકાનો રામ’, જેવા પુસ્તકોના ઉત્તમ અંશોની વાચિકમ સ્વરુપે પ્રસ્તુતિ કરાઈ હતી. 

આ પ્રસ્તુતિ ગુજરાતી નાટ્યજગતના પ્રસિદ્ધ કલાકારો સનત વ્યાસ, જ્હોની શાહ, વૈશાલી ત્રિવેદી, કિરીટ બારોટ, ક્રિષ્ના ઓઝા તથા દર્શન મહાજને કરી હતી. એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યાપક કવિત પંડ્યાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે દિનકર જોષીના સમગ્ર સાહિત્યસર્જનનું પ્રદર્શન તથા વેચાણનું આયોજન પણ રાજકોટ સ્થિત પ્રવીણ પ્રકાશનના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં પુસ્તકોની ખરીદી પર પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ અપાયું હતું અને ખરીદીમાં પુસ્તકપ્રેમીઓમાં ઉમળકો જોવા મળ્યો હતો.

આ પ્રસંગે કેઈએસના ટ્રસ્ટી મંડળ અને કારોબારી સમિતિના સભ્યોમાં પ્રેસિડન્ટ સતીષભાઈ દત્તાણી, વાઇસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહ, સેક્રેટરી મહેશભાઈ ચંદારાણા, સભ્ય રજનીકાંત ઘેલાણી અને નવીનભાઈ સંપટ હાજર રહ્યા હતા. સૌએ દિનકરભાઈનું શાલ ઓઢાળીને તેમ જ મેમેન્ટો આપીને સન્માન કર્યુ હતું. મહેશભાઈ શાહે પોતાના સંબોધનમાં દિનકરભાઈને વિશેષ આદરણીય વ્યક્તિ તરીકે મુલવતા કહ્યું હતું કે તેઓ સદાય સરળ, સહજ જીવન જીવતા રહ્યા છે, તેથી જ તેમના સર્જનમાં સત્યના પડઘાં પડે છે. તેમણે ક્યારેય પોતાના ગુણગાન ગાયા નથી, પોતાની ભૂલો સ્વીકારવામાં ઉદારતા દાખવી છે, તેમણે લખીને, બોલીને, જાહેરમાં પણ પોતાની ભૂલ કે નબળાઈ સ્વીકારી છે. આમ કરવું સહેલું નથી, આવું કોઈ વિશેષ માનવી જ કરી શકે. તેમના સાહિત્યમાં સરળતા અને સહજતા જોવા મળે છે. કાંદિવલી એજ્યુકેશનની સ્કુલના તેઓ વિધાર્થી રહી ચૂક્યા છે અને આજે પણ આ સંસ્થા સાથે જોડાયેલા રહ્યા છે એ કેઈએસ માટે ગૌરવની વાત છે. 

આ પ્રસંગે કાંદિવલી હિતવર્ધક મંડળ વતી પંકજ શાહ, બીજલ દત્તાણી, સાંઈ સાર્વજનિક સંસ્થા તરફથી એ.બી. મહેતા, પ્રગતિ મિત્ર મંડળ વતી નીતિનભાઈ, માનવમિત્ર સંસ્થા વતી વસંતભાઈ શાહ સહિત વિવિધ અગ્રણીઓએ દિનકરભાઈનું અભિવાદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સંવિત્તિ સંસ્થાના કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવી હતી.