મુંબઈઃ મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની હાજરીમાં દેશનું સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ INS વિશાખાપટ્ટનમ આજે અહીં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું. આધુનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુદ્ધ માટે આ જહાજને બનાવવામાં આવ્યું છે. INS વિશાખાપટ્ટનમનું નિર્માણ અત્રેના મઝગાંવ નેવલ ડોકયાર્ડ ખાતે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજ મિસાઈલનો નાશ કરવા સક્ષમ છે.
આ યુદ્ધજહાજ 75 ટકા સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. ભારતે બનાવેલું આ સૌથી લાંબું યુદ્ધજહાજ છે. એ 163 મીટર લાંબું અને 17 મીટર પહોળું છે. એનું વજન 7,400 ટન છે. આ જહાજ પર 50 અધિકારી અને આશરે 300 નાવિક જવાનો તૈનાત કરી શકાશે, રહી શકશે. આ યુદ્ધજહાજના સામેલ થવાથી ભારતીય નૌકાદળની તાકાત અનેકગણી વધી જશે.