મુંબઈઃ શહેરમાં જાહેર સ્થળોએ તમાકુ, તમાકુજન્ય પદાર્થ ખાવા પર ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ તો લાગુ છે જ, હવે આવા સ્થળોએ ધૂમ્રપાન કરનાર, તમાકુવાળા પદાર્થ ખાનાર અને થૂંકનારને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જાહેર આરોગ્ય વિભાગે આ વિશે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જાહેર સ્થળોની યાદીમાં શાસકીય, બિન-શાસકીય કાર્યાલયો, ખાનગી ઓફિસો, શાસકીય સંસ્થાઓ, કાર્યાલયમાં કામકાજની જગ્યાઓ, કેન્ટીન, શાળા, કોલેજો વગેરેનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવે યોજેલી બેઠકમાં રાજ્ય સરકારને નેશનલ ટોબેકો કન્ટ્રોલ કાયદા તેમજ તેને લગતા અન્ય કાયદાઓનો અસરકારક રીતે અમલ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે રૂ. 200ની પેનલ્ટી ફટકારવાનો નિર્ણય લીધો છે. સરકારી ઈમારતોના પ્રવેશદ્વાર પર જ આની જાણ કરતું બોર્ડ મૂકવામાં આવશે.
