મુંબઈઃ ‘વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ અને મૂલ્ય ઘડતરરૂપી જો બે પાંખ આપી દેવામાં આવે તો એ સફળતાના શિખરોને સર કરી શકે છે.’ અહીંના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં મૂલ્ય ઘડતરના વિકાસ માટેની જે શૃંખલા શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે હાલમાં જ એક મણકો વધુ ઉમેરાયો હતો. કેઈએસ (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી)ના વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહના માાર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ સીરિઝમાં કવિ મુકેશ જોષીએ વિદ્યાર્થીઓને એમનાં જીવનમાં ઉપયોગી થાય એવા મૂલ્યોની સમજણ આપી હતી.
સૌ પ્રથમ એમણે વિદ્યાર્થીઓને સ્મરણશક્તિ-યાદશકિતનું કૌશલ્ય કેવી રીતે કેળવાય એની તાલીમ આપી હતી.
“ચાંદો સૂરજ રમતા’તા
રમતા રમતા કોડી જડી…”
કવિતા કેવી રીતે પ્રાસમાં મૂકીને ગાવાથી યાદ રહી જાય છે તેવી રીતે અભ્યાસની અત્યંત અઘરી વાતો યાદ કરવી એ સમજાવ્યા બાદ જોષીએ ગયા વખતની મુલાકાત દરમિયાન આપણાં મહાકાવ્યો રામાયણ અને મહાભારતની કહેલી માહિતી વિશે વિદ્યાર્થીઓની સ્મરણ શક્તિ જાણવા પ્રશ્નો પૂછ્યા હતા. આ વખતે રામાયણમાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓના નામ જણાવ્યા. અનુક્રમે સીતા, ઊર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ. તે ઉપરાંત ભારતની સૌથી લાંબી નદી ગંગા અને ભાગીરથીનાં અવતરણની કથા કહી હતી.
શ્રી રાજાની ‘બોલેલું પાળવું જોઈએ’ એ બોધ આપતી વાર્તા કહી. જેમાં ઈન્દ્રદેવ શ્રી રાજાની કરુણા ભાવનાની કસોટી કરવા એમના ખોળામાં એક કબૂતર મૂકે છે અને બાજ પક્ષી રાજાને એ કબૂતર પોતાનો શિકાર છે એમ કહી એ પોતાને સોંપી દેવા જણાવે છે, ત્યારે શ્રી રાજા પોતાનો જીવ આપીને પણ કબૂતરને બચાવશે એમ વચન આપે છે અને એ માટે પોતાના એક એક અંગ કાપે છે અને શિરચ્છેદ કરવા જાય છે ત્યારે ઇન્દ્રદેવ પ્રગટ થઈને આશીર્વાદ આપેછે. આ વાર્તા દ્વારા આપણે ‘જે વચન આપ્યું હોય તે પાળવું જોઈએ’ એ વાત સમજાવાઈ હતી.
આ વખતે કવિ મુકેશ જોષીએ બાળકોને ન ભાવતી વસ્તુ પણ ખાઈ લેવી જોઈએ, ઓછામાં ઓછી એક ચમચી જેટલું પણ ખાવું જોઈએ એ વાતની સલાહ આપી હતી. કારેલા, ટિંડોળા, ગલકા જેવા શાક પણ ખાવા જોઈએ એ વાત બાળકોને સમજાવ્યા બાદ એમની પાસે આ વખતે નિયમ લેવડાવ્યો હતો કે ઘરે જઈને તેઓ જ સામેથી ન ભાવતી વસ્તુ બનાવવા એમનાં માતાને કહેશે.
આમ, કવિ મુકેશ જોષીએ ગમ્મત સાથે, વાર્તાઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કર્યું હતું.