મુંબઈઃ દિવાળીનો તહેવાર આવી પહોંચ્યો હોવાથી મહારાષ્ટ્ર સરકારે મુંબઈગરાંઓને મોટી રાહત આપી છે. કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ ચૂકેલા અને તે પછી 14-દિવસનો સમયગાળો પણ પૂરો કરી ચૂકેલા તમામ નાગરિકોને શહેરની લોકલ ટ્રેનોમાં પ્રવાસ માટેની ટિકિટ આપવાનો નિર્દેશ સરકારે રેલવે વિભાગોને આપ્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી, ગઈ કાલથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. પૂરી રસી લેનારાઓને મધ્ય અને પશ્ચિમ, બંને વિભાગના રૂટ્સ પર દૈનિક ટિકિટ આપવામાં આવી રહી છે.
આ પૂર્વે બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને ટિકિટ નહીં, પરંતુ મહિનાનો, ત્રિમાસિક તે છ-માસિક પાસ જ આપવામાં આવતો હતો. દૈનિક ટિકિટ આપવામાં ન આવતાં નાગરિકો-પ્રવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. રેલવેએ આ વિશે મહારાષ્ટ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું. કોરોના મહામારીની અસર ઘટી ગઈ હોવાથી બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને લોકલ ટ્રેનની ટિકિટ આપવી જોઈએ એવી માગણી પ્રવાસ સંગઠને કરી હતી. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પશ્ચિમ અને મધ્ય રેલવેને પત્ર લખીને સૂચના આપી છે કે તેઓ બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને દૈનિક ટિકિટ આપવાનું પણ શરૂ કરી દે. મુંબઈમાં આમ જનતા માટે લોકલ ટ્રેન પ્રવાસ ગયા વર્ષની 23 માર્ચના લોકડાઉનથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ગઈ 15 જૂનથી સેવાઓને આંશિક રીતે શરૂ કરવામાં આવી હતી.