મુંબઈઃ પ્રદૂષણની સાથે ધૂળની રજકણોને હવામાં ફેલાતી રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ શહેરમાં ક્લાઉડ સીડિંગ (માનવ નિર્મિત વાદળમાંથી વરસાદ) ટેક્નોલોજી દ્વારા કૃત્રિમ વરસાદ પાડવાનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે વૈશ્વિક સ્તર પર કંપનીઓને એમના બિડ રજૂ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે આ માટે એકેય વિદેશી કંપની તરફથી પ્રતિસાદ મળ્યો નથી. ચાર ભારતીય કંપનીઓએ પ્રયોગ કરવાની તૈયારી બતાવી છે. તેથી બિડિંગ પ્રક્રિયાને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. મહાપાલિકાએ દુનિયાભરની માત્ર એવી જ કંપનીઓને એમના બિડ મોકલવા કહ્યું છે જેમની પાસે ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાનું લાઈસન્સ હોય.
છેલ્લા બે મહિનાથી મુંબઈમાં હવાની ગુણવત્તામાં ઘણો બગાડો થયો છે. શહેરમાં હજારોની સંખ્યામાં બાંધકામો ચાલુ હોવાથી હવામાં ધૂળના રજકણો મોટા પાયે ભળી રહ્યા છે. પ્રદૂષણ બગડવાનું આ જ મુખ્ય કારણ હોવાનું મનાય છે. મહાપાલિકાએ બાંધકામ સ્થળો માટે 27 નિયમોની એક યાદી પણ તૈયાર કરી છે.
મુંબઈમાં કૃત્રિમ વરસાદ પાડવાનો આઈડિયા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો છે. એમની સૂચનાને પગલે જ મુંબઈ મહાનગરપાલિકાએ કૃત્રિમ વરસાદ પાડવા માટે જાગતિક સ્તરે ‘એક્સપ્રેસ ઓફ ઈન્ટરેસ્ટ’ની ઓફર મૂકી છે. પ્રયોગ માટે રૂચિ દર્શાવનાર કંપનીઓ પાસેથી કૃત્રિમ વરસાદની ટેક્નોલોજી જાણવામાં આવશે અને તે પછી જે શ્રેષ્ઠ લાગશે તે ટેક્નોલોજીનો સ્વીકાર કરવામાં આવશે.