મુંબઈ – અહીંથી નજીકના રાયગડ જિલ્લામાં આવેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના પ્લાન્ટમાં આગની ઘટના બની હતી, પણ સદ્દભાગ્યે એમાં કોઈને ઈજા થઈ નથી, કે પ્લાન્ટમાં કોઈ નુકસાન પણ થયું નથી.
મુંબઈથી લગભગ 51 કિ.મી. દૂર આવેલા રાયગડ જિલ્લાસ્થિત પાતાલગંગા રાસાયની વિસ્તારમાં આવેલા RILના પ્લાન્ટમાં ગઈ કાલે મોડી રાતે આગ લાગી હતી. પ્લાન્ટનું એક યુનિટ જે એક મહિનાથી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું તે સક્રિય થતાં આગ લાગી હતી.
તે યુનિટમાં સંગ્રહ કરાયેલા એક રસાયણમાં તણખો ઝર્યો હતો અને એને કારણે એક બોઈલરમાં આગ લાગી હતી.
આગની જાણ થતાં ફાયર બ્રિગેડના ચાર વાહન ત્યાં પહોંચી ગયા હતા. એમાંનું એક વાહન મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઈડીસી)ની ફાયર સેવાઓનું હતું તથા ત્રણ RIL કંપનીના હતા. આ વાહનો સાથે પહોંચી ગયેલા જવાનોએ એકાદ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લાવી દીધી હતી.
કંપની તરફથી આગની ઘટના અંગે કોઈ વિધિવત્ ફરિયાદ નોંધવામાં આવી નથી કે નુકસાન વિશેનો કોઈ અહેવાલ પણ બહાર પાડવામાં આવ્યો નથી.
RILના એક અધિકારીએ કહ્યું કે આગ મામુલી પ્રકારની હતી અને કોઈ જાનહાનિ થઈ નથી. પ્લાન્ટ મેન્ટેનન્સ હેઠળ છે. આગને ચાલુ રહેવા દેવામાં આવી હતી, કારણ કે રેસિડ્યૂલ હાઈડ્રોકાર્બનનો નાશ કરવાની જરૂર હતી. બનાવમાં કોઈને ઈજા પણ થઈ નથી.