મુંબઈઃ બોલીવુડના સ્વ. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર તરીકે કામ કરનાર દિશા સાલ્યાનનાં મુંબઈમાં ભેદી સંજોગોમાં થયેલા મૃત્યુ વિશે ખોટી માહિતી કથિતપણે ફેલાવવા બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને એમના વિધાનસભ્ય પુત્ર નિતેશ રાણે પોલીસે કેસ નોંધ્યો છે. સ્વ. દિશાનાં માતાએ આઈપીસી તથા માહિતી ટેક્નોલોજી કાયદાની કલમો અંતર્ગત કરેલી ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.
2020ની 14 જૂને સુશાંતસિંહે આત્મહત્યા કરી એના છ દિવસ પહેલાં – 8 જૂને દિશાએ મુંબઈના મલાડમાં એક બહુમાળી ઈમારતમાંથી કૂદકો મારીને આત્મહત્યા કર્યાનો અહેવાલ હતો. એફઆઈઆર કોપીમાં દિશાનાં માતાએ એવો આક્ષેપ કર્યો છે કે આ નેતાઓએ એમની દીકરીને બદનામ કરી હતી. મહારાષ્ટ્ર મહિલા પંચ સંસ્થાએ પણ રાણે સામે પગલું ભરવાની પોલીસ સમક્ષ માગણી કરી છે. મહિલા પંચેનાં અધ્યક્ષા રૂપાલી ચકણકરે કહ્યું છે કે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાબિત થઈ ચૂક્યું છે કે દિશા સાથે કોઈ દુષ્કર્મ કરવામાં આવ્યું નહોતું કે એ ગર્ભવતી પણ નહોતી. મહિલા પંચે ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સામે પણ પગલું ભરવાની પણ પોલીસ સમક્ષ માગણી કરી છે.