મુંબઈ – પંજાબ નેશનલ બેન્ક સાથે કરાયેલી કરોડો રૂપિયાની છેતરપીંડીના કૌભાંડ કેસના આરોપી હીરાના વેપારી મેહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. એમણે માગણી કરી છે કે એમને ભાગેડૂ આર્થિક ગુનેગાર તરીકે જાહેર કરવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ વિશેષ અદાલતમાં નોંધાવેલી અરજીને કોર્ટ રદબાતલ કરે.
ચોક્સીએ એડવોકેટ વિજય અગ્રવાલ મારફત આજે હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી છે. એમણે કહ્યું છે કે પોતાને આરોગ્યને લગતી સમસ્યાઓ વારંવાર ઊભી થતી હોવાને કારણે ભારતમાં પાછા ફરવા અસમર્થ છે.
ચોક્સી અને એમના ભાણેજ નીરવ મોદીને ઈડી તથા સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન)એ વોન્ટેડ જાહેર કર્યા છે. બંને પર આરોપ મૂક્યો છે કે એમણે પીએનબી સાથે રૂ. 13,400 કરોડની છેતરપીંડી કરી છે. બંને આરોપીએ બેન્કના કેટલાક કર્મચારીઓ સાથે મળીને બેન્ક સાથે છેતરપીંડી કરી છે.
ઈડી એજન્સીએ સ્પેશિયલ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટમાં અરજી નોંધાવી છે કે ચોક્સીને ભાગેડૂ આર્થિક ગુનેગાર તરીકે ઘોષિત કરવામાં આવે, કારણ કે એજન્સી સમક્ષ તપાસ માટે હાજર થવાના અનેક વારના સમન્સની એમણે અવગણના કરી છે. ઈડી એજન્સીએ કોર્ટને એમ પણ કહ્યું છે કે ફ્યૂજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ, 2018ની જોગવાઈઓ અંતર્ગત ચોક્સીની મિલકતો જપ્ત કરવા દેવામાં આવે.
ઈડી એજન્સીને પડકારતી અરજી ત્યારે ચોક્સીએ નીચલી અદાલતમાં નોંધાવી હતી, પણ કોર્ટે એને નકારી કાઢી હતી. તેથી હવે ચોક્સીએ હાઈકોર્ટનો આશરો લીધો છે.