મુંબઈ – ભારતીય હવાઈ દળે ગઈ કાલે પાકિસ્તાનમાં ઘૂસીને ભીષણ સર્જિકલ બોમ્બમારો કરીને જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના અડ્ડાઓનો નાશ કરી નાખ્યો અને એના 350 જેટલા ત્રાસવાદીઓને ખતમ કરી નાખ્યા. ભારતીય હવાઈ દળના મિરાજ-2000 યુદ્ધવિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આ કામગીરી પાર પાડી હતી. પાકિસ્તાન કદાચ આ હુમલાનો બદલો એવી ધારણા રાખીને ભારત સત્તાવાળાઓએ મુંબઈ, રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી સહિત પાંચ શહેરોમાં અત્યંત સતર્ક રહેવાની સૂચના આપી દીધી છે.
સત્તાવાળાઓએ આ હાઈ એલર્ટ 72 કલાકનું આપ્યું છે.
જોકે વળતા હુમલાનું જોખમ પાકિસ્તાન આર્મી તરફથી નથી, પરંતુ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને જેમને ટેકો છે તે ત્રાસવાદી સંગઠનો તરફથી છે, જેઓ કશ્મીર ખીણમાં સક્રિય છે.
મુંબઈ અને દિલ્હી ઉપરાંત પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ઓછામાં ઓછા 3 શહેરમાં પણ હાઈ એલર્ટ ઘોષિત કરાયું છે. મુંબઈમાં શાળાઓના સંચાલકોને અત્યંત સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે.
ભારતના અણુ મથકો, હવાઈ મથકો, નૌકા કમાન્ડ્સ, લશ્કરી છાવણીઓ તથા કેન્ટોનમેન્ટ વિસ્તારોમાં સુરક્ષાનો બંદોબસ્ત અત્યંત કડક રાખવાનું જણાવાયુું છે.
કોઈ પણ પ્રકારના ત્રાસવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે સુસજ્જતા વિશે ચર્ચા કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ટોચના અધિકારીઓની આજે એક બેઠક બોલાવી છે.
પંજાબના પાંચ જિલ્લા – ગુરદાસપુર, તરન તારન, અમૃતસર, ફિરોઝપુર અને ફાઝિલ્કા પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે એટલે ત્યાં પણ હાઈ એલર્ટ ઘોષિત કરાયું છે. પંજાબ રાજ્ય પાકિસ્તાન સાથે 553 કિ.મી.ની સરહદ ધરાવે છે.
એવી રીતે, રાજસ્થાન રાજ્ય પાકિસ્તાન સાથે 1,048 કિ.મી.ની સરહદ ધરાવે છે.
ગુજરાતમાં, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ, ઈન્ટેલિજન્સ બ્યુરો તથા સરહદીય જિલ્લાઓના પોલીસ અધિકારીઓ સાથે ગઈ કાલે બેઠક કરી હતી.