મુંબઈઃ ભારતમાં બિઝનેસ શરૂ કરવાની ધૂન ચડતાં બે વિદ્યાર્થી મિત્રોએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણવાનું અડધું છોડી અને મુંબઈમાં ઈન્સ્ટન્ટ ગ્રોસરી ડિલીવરી (કરિયાણું ઝડપથી પહોંચાડવાની) સેવા આપે એવી કોમર્સ સ્ટાર્ટઅપ ‘ઝેપ્ટો’ શરૂ કરી. જોતજોતામાં બેઉ સફળ થયા. મુંબઈનિવાસી આદિત પલિચા અને એના બાળપણના મિત્ર કૈવલ્ય વોહરા (મૂળ બેંગલુરુનિવાસી)એ ‘ઝેપ્ટો’ એપ શરૂ કરી છે. બંને 19 વર્ષના છે. બંને જણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામનું શિક્ષણ લેવા ગયા હતા, પરંતુ પરિવારજનોની નારાજગી વચ્ચે, એ પ્રોગ્રામ પડતો મૂકીને ભારતમાં પાછા જઈ ક્વિક કોમર્સ બિઝનેસમાં ઝંપલાવવાનું એમણે નક્કી કર્યું હતું. કોરોનાવાઈરસના સંકટ વચ્ચે એમણે ઝેપ્ટો શરૂ કરી હતી. Y-કોમ્બિનેટરના કન્ટીન્યુઈટી ફંડ તરફથી પલિચા-વોહરાને સીરિઝ-C ફંડિંગમાં 6 કરોડ ડોલરની પ્રારંભિક મૂડી મળી હતી. એ વખતે સ્ટાર્ટઅપનું વેલ્યૂએશન 22 કરોડ 50 લાખ ડોલર હતું. એમણે ભારતના રેડ-હોટ જેવા ક્વિક કોમર્સ ક્ષેત્રમાં ઝેપ્ટો શરૂ કર્યાના માત્ર પાંચ મહિનામાં એની વેલ્યૂ વધીને 57 કરોડ ડોલર થઈ ગઈ. આજે ઝેપ્ટો પાસે રૂ. 700 કરોડનું ફંડિંગ થઈ ગયું છે. સ્થાપનાના 45 દિવસ બાદ સ્ટાર્ટઅપને નવું ફંડિંગ મળ્યું. એમને ગ્રેડ બ્રૂક કેપિટલ પાર્ટનર્સ, નેક્સસ વેન્ચર પાર્ટનર્સ, બ્રેયર કેપિટલ અને સિલિકોન વેલીના ઈન્વેસ્ટર લેચી ગ્રૂમ તરફથી પણ ભંડોળ (ઈન્વેસ્ટમેન્ટ) પ્રાપ્ત થયું છે. સામાન્ય રીતે, મોટા અને વધારે ફંડિંગની જરૂરિયાતવાળી સ્ટાર્ટઅપને તો અનેક વર્ષ લાગી જાય, પરંતુ ઝેપ્ટોની વેલ્યૂ માત્ર પાંચ મહિનામાં જ 57 કરોડ ડોલર થઈ ગઈ.
બ્લૂમબર્ગને આપેલી એક મુલાકાતમાં ઝેપ્ટોના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર આદિત પલિચાએ કહ્યું કે, અમે બેઉ મિત્રોએ જોયું હતું કે કોરોના સંકટમાં લોકોને એમનાં કરિયાણાની ચીજવસ્તુઓ મેળવવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મોટા ભાગની ગ્રોસરી ડિલીવરી એપ સામાન પહોંચાડવામાં 3-4 દિવસનો સમય લગાડતી હતી. બસ, અમને આઈડિયા ક્લિક થયો કે આપણે ક્વિક કોમર્સ ક્ષેત્રમાં ઝંપલાવીએ. અને અમે બંનેએ ‘માત્ર દસ જ મિનિટમાં ગ્રોસરી ડિલીવરી’ કન્સેપ્ટ પર ઝેપ્ટો કંપની શરૂ કરી દીધી હતી. ‘ઝેપ્ટો’ નામ અમે સમયના અતિ સૂક્ષ્મ પ્રકાર પરથી રાખ્યું છે.
કૈવલ્ય વોહરા ઝેપ્ટોના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર છે. ભારતમાં ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી બિઝનેસની હજી તો શરૂઆત થઈ છે. દેશમાં રીટેલ માર્કેટ 1 ટ્રિલિયન ડોલરની છે. આમાં ગ્રોસરી ખરીદી મોટો હિસ્સો ધરાવે છે. ઝેપ્ટોની હરીફાઈ સોફ્ટબેન્ક ગ્રુપની બ્લિન્કીટ, ગૂગલની ડુન્ઝો, નેસ્પર્સ લિમિટેડની સ્વિગી, એમેઝોન, વોલ્માર્ટની ફ્લિપકાર્ટ જેવી મહારથી કંપનીઓ સામે છે. એમને જે નવી મૂડી પ્રાપ્ત થઈ છે એનાથી તેઓ એમની ટીમ અને સેવાનો વધારે શહેરોમાં વિસ્તાર કરશે. ઝેપ્ટોને દરરોજ એક લાખ જેટલા ઓર્ડર આવે છે. અમે ચાર-છ ક્વાર્ટરમાં અમારા વાર્ષિક ટર્નઓવરનો આંક 1 અબજ પર પહોંચાડવા માગીએ છીએ. હાલ ઝેપ્ટોના 100 ડાર્ક સ્ટોર્સ અથવા માઈક્રો વેરહાઉસ છે. તેઓ હાલ તાજા ઉત્પાદનો, રસોઈ માટે જરૂરી ચીજો, નાસ્તાની આઈટમો, ઠંડા પીણાં, પર્સનલ કેર ચીજવસ્તુઓ, ઘરસફાઈના ઉત્પાદનો સહિત 2,500 જેટલી ચીજવસ્તુઓ ગ્રાહકોને ડિલીવર કરે છે.
ઉલ્લેખનીય છે કે, ઉદ્યમી લોકો દેશમાં વ્યવસાય કરવા આગળ આવે એ માટે જરૂરી વાતાવરણનું નિર્માણ કરી નરેન્દ્ર મોદી સરકારે આપેલા પ્રોત્સાહનને લીધે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ધરખમ અને ઝડપી પ્રગતિ થઈ છે. 38 ભારતીય કંપનીઓ યૂનિકોર્ન એટલે કે બિલિયન ડોલર (અબજ ડોલર) વેલ્યૂએશન સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકામાં આ વર્ષમાં 260 નવી યૂનિકોર્ન બની છે. તે પછી ભારત બીજા નંબરે છે.