મુંબઈ – મુંબઈ મહાનગરપાલિકા એટલે આર્થિક દ્રષ્ટિએ દેશની સૌથી સમૃદ્ધ મહાપાલિકા. પણ એના કર્મચારીઓની ફરિયાદ છે કે એમને એપ્રિલ મહિનાનો પગાર મળ્યો નથી. કર્મચારીઓએ ધમકી આપી છે કે જો ઓફિસમાં હાજરી અને પગારના પ્રશ્નોનાં મામલે એક અઠવાડિયાની અંદર ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર જશે.
અહેવાલ અનુસાર, બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના આશરે 20 હજાર કર્મચારીઓને ગયા એપ્રિલ મહિનાનો જરાય પગાર મળ્યો નથી. જ્યારે બીજા 50 હજાર જેટલા કર્મચારીઓને એમની સત્તાવાર રજાઓને ગણતરીમાં લીધા વગર ઓછો પગાર ચૂકવવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેના-ભાજપનું શાસન છે.
મુંબઈભરમાં બીએમસીના આશરે એક લાખ જેટલા કર્મચારીઓ છે.
આ કર્મચારીઓમાં વર્ગ-4થી લઈને નાયબ મ્યુનિસિપલ કમિશનર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.
કર્મચારીઓની ફરિયાદ છે કે નવી બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરાયા બાદ સમસ્યા ઊભી થઈ છે. આ સિસ્ટમ ઓફિસમાં કર્મચારીઓનાં હાજરીના દિવસો અને એમના પગારની રકમને લિન્ક કરે છે.
એક હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારીનું કહેવું છે કે હું એપ્રિલમાં અમુક દિવસો માટે સત્તાવાર રીતે રજા પર હતો, તે છતાં મારો પગાર કાપી લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અમે અમારી હોમ લોનના હપ્તા કેવી રીતે ચૂકવીએ? બીજા ખર્ચાઓ કેવી રીતે ઉપાડીએ?
વહીવટીતંત્રના અધિકારીઓએ ખાતરી આપી છે કે આ ટેકનિકલ સમસ્યા વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવશે.
મ્યુનિસિપલ મઝદૂર યુનિયને ધમકી આપી છે કે કર્મચારીઓનાં પગારમાંથી કાપી લેવાયેલી રકમ જો એમને 12 મે સુધીમાં પાછી આપવામાં નહીં આવે તો અમે આંદોલન પર ઉતરીશું.