મુંબઈ – રત્ન નિધિ-અલીબાબા દ્વારા દુનિયાના વિરાટ પુસ્તક-દાન કાર્યનો ચોથો મણકો મુંબઈમાં સંપન્ન થયો છે.
દિવ્યાંગ વ્યક્તિઓ માટે તથા શિક્ષણ ક્ષેત્રે સેવાભાવી કાર્યો કરતી નૉનપ્રોફિટ સંસ્થા રત્ન નિધિ ચેરિટેબલ ટ્રસ્ટએ જગવિખ્યાત ચાઈનીસ મલ્ટિનેશનલ અલીબાબા ગ્રુપ સાથે મળીને બે વર્ષ પહેલાં એક પુસ્તકદાન-યજ્ઞ આરંભેલોઃ ‘મિશન મિલિયન બુક્સ’ 2016 તથા 2017માં સાતારા, બારામતી તથા મુંબઈમાં ‘મિશન મિલિયન બુક્સ’ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ગયા રવિવારે મુંબઈમાં પુસ્તક-દાનનો ચોથો મણકો યોજાયો હતો, જેમાં અતિથિવિશેષ તરીકે મહારાષ્ટ્ર ઈન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડની ગવર્નિંગ કાઉન્સિલનાં સભ્ય તથા ફિલ્મો-ટીવી સિરિયલોનાં અભિનેત્રી ડૉ. સ્વરૂપ સંપટ-રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
‘મિશન મિલિયન બુક્સ’ એક એવો ઉપક્રમ છે, જેમાં દસ લાખ ઉપયોગી પુસ્તક સાવ નિઃશુલ્ક દેશભરની જરૂરતમંદ શાળા-શૈક્ષણિક સંસ્થાઓને દાનમાં આપવામાં આવશે. અત્યાર સુધી 2000થી વધુ શૈક્ષણિક સંસ્થાને સાત લાખથી વધુ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
આ અવસરે ડો. સ્વરૂપે જણાવ્યું કે ડિજિટલ-યુગમાં પણ મને પુસ્તક વાંચવાં ગમે છે. પુસ્તકની આપણા જીવનમાં બહુ અગત્યની ભૂમિકા છે એવું મારું દ્રઢપણે માનવું છે. પુસ્તક બાળકોને કલ્પનાની એક અજાયબ સૃષ્ટિની સફરે લઈ જાય છે, એમની સર્જનશીલતા નિખારે છે, એમના વ્યક્તિત્વનો વિકાસ કરે છે. બાળકોએ એમના અભ્યાસક્રમનાં પુસ્તક સિવાય અન્ય સારાં પુસ્તક પણ વાંચવાં જોઈએ.”
રવિવારે મુંબઈમાં યોજાયેલા આ નોખા-અનોખા પુસ્તકયજ્ઞના ચોથા મણકામાં વિશાળ ખંડમાં પદાર્થવિજ્ઞાન, રસાયણ, ગણિત, કમ્પ્યૂટર્સ, ભૂગોળ, ઈતિહાસ જેવા વિષયોનાં પુસ્તક ઉપરાંત ડિક્શનરી, શબ્દકોશ, એન્સાઈક્લોપીડિયા, વાર્તા-નવલકથા-જીવનચરિત્રો, બિઝનેસ તથા મૅનેજમેન્ટનાં પુસ્તકો હતાં. આ ઉપરાંત પૌરાણિક કથા, બોધકથા, બાળવાર્તા, માનવતા તથા ધર્મને લગતાં પુસ્તક, સામયિક નિઃશુલ્ક મેળવી શકાતાં હતાં.