મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠા સમાજના લોકો માટે સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકો અનામત રાખવાના મામલે મુંબઈ હાઈકોર્ટ આ કેસ સાથે સંકળાયેલી તમામ પીટિશનો પર આવતી 27 જૂનના ગુરુવારે પોતાનો ચુકાદો આપશે.
બીજી બાજુ, આજે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત વિશે મુંબઈ હાઈકોર્ટે લીધેલા નિર્ણયને પડકારતી પીટિશન પર પોતાનો નિર્ણય આપવાનો ઈનકાર કરી દીધો છે.
પી.જી. મેડિકલ એન્ડ ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટે રાજ્ય સરકારે મરાઠા સમાજને 16 ટકા અનામતનો લાભ આપવાનો આદેશ આપ્યો હતો. તેના આ નિર્ણયને પહેલાં મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે તે પીટિશનને ફગાવી દીધા બાદ અરજદારો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. હવે ત્યાં પણ એમની હાર થઈ છે.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત કાયદો યોગ્ય છે કે નહીં એ સંદર્ભમાં આવતા ગુરુવારે હાઈકોર્ટ આખરી સુનાવણી કરશે અને ચુકાદો આપે એવી ધારણા છે.
આ કેસ હાઈકોર્ટમાં ન્યાયામૂર્તિ રણજિત મોરે અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની બેન્ચ સમક્ષ ચાલી રહ્યો છે. આજે થયેલી સુનાવણીમાં ન્યાયાધીશોએ સ્પષ્ટ કર્યું કે કોર્ટ 27 જૂને ચુકાદો આપશે.
મરાઠા સમાજ માટે 16 ટકા બેઠક અનામત રાખવાના નિર્ણયની વિરુદ્ધમાં અને તરફેણમાં જુદી જુદી જનહિતની અરજીઓ કરવામાં આવી છે. એની પર કેસ ગઈ 6 ફેબ્રુઆરીથી ચાલી રહ્યો છે. દરરોજ સુનાવણી કર્યા બાદ હાઈકોર્ટે ગઈ 26 માર્ચે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ મે મહિનામાં ઉનાળાના વેકેશનની રજાઓ આવી ગઈ હતી.
મરાઠા સમાજને 16 ટકા અનામત આપવાનો કાયદો રાજ્ય સરકારે 2018ની 30 નવેંબરે આપ્યો હતો. એ નિર્ણયને જયશ્રી પાટીલ, સંજીત શુક્લા, ઉદય ભોપળે નામની વ્યક્તિઓએ જનહિતની અરજીઓ દ્વારા પડકાર્યો હતો. તો વૈભવ કદમ, અજિનાથ કદમ, અખિલ ભારતીય મરાઠા મહાસંઘ જેવા કેટલાકોએ સરકારના નિર્ણયની તરફેણ કરતી જનહિતની અરજી કરી હતી. આ બધી અરજીઓને એકત્રિત કરી તેની પર કોર્ટે 26 માર્ચે અંતિમ સુનાવણી કરી હતી.