મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવાના હેતુ સાથે શરૂ કરાવેલા ‘મૈં ભી ચોકીદાર’ પ્રચારને સોશિયલ મિડિયા પર જોરદાર સફળતા મળી છે તો કોંગ્રેસે એની વિરુદ્ધમાં આદરેલો ‘ચોકીદાર ચોર હૈ’ પ્રચાર નિષ્ફળ ગયો છે. આ પ્રકારનો સર્વે જાણીતી ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ કંપની ‘બુઝોકા’એ કરાવ્યો હતો.
‘બુઝોકા’ના સર્વેનાં આંકડા ‘ઈકોનોમિક ટાઈમ્સે’ પ્રકાશિત કર્યા છે.
સર્વે અનુસાર, દેશના ટોચના ડિજિટલ મિડિયા લીડર્સમાંથી 54 ટકાનું માનવું છે કે ‘મૈં ભી ચોકીદાર’ પ્રચાર અસરકારક રહ્યો છે. સામી બાજુ, 65 ટકા લોકોનું માનવું છે કે ‘ચોકીદાર ચોર હૈ’ પ્રચાર નિષ્ફળ ગયો છે.
બુઝોકાના સહ-સ્થાપક આશુતોષ હરબોલાનું કહેવું છે કે ડિજિટલ મિડિયા ઉદ્યોગની નાડ જાણવા માટે અમે આ સર્વે કરાવ્યો છે.
બુઝોકા કંપનીએ આ સર્વે થર્ડ-પાર્ટી મિડિયા પબ્લિશર્સ મારફત ડિજિટલ મિડિયાના આગેવાનોને સવાલો પૂછ્યા હતા. આ મહારથીઓમાં મિડિયા એજન્સી અને બ્રાન્ડ લીડર્સનો સમાવેશ થાય છે, જેઓ ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમ સાથે સંકળાયેલા હોય છે.
સર્વેક્ષણ પરથી માલુમ પડ્યું છે કે ભારતના ડિજિટલ ઉદ્યોગના અગ્રણીઓ નરેન્દ્ર મોદી સરકારે ડિજિટલ ક્ષેત્રમાં હાથ ધરેલા પ્રયાસોથી ખુશ છે.
સર્વેમાં ભાગ લેનારાઓમાંના 91 ટકા જણે કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં મતદારોનો વિચાર બદલવામાં ડિજિટલ મિડિયા ઘણી વગ વાપરવા સક્ષમ છે.
77 ટકા જણે કહ્યું કે 2014-19ના સમયગાળા દરમિયાન ડિજિટલ મિડિયાના બજેટમાં વધારો જોવા મળ્યો છે. ડિજિટલ ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો થયો છે.
બુઝોકાના નેટવર્ક પર એક લાખથી વધારે સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સર્સ છે.
સર્વેમાં ભાગ લેનારા 91 ટકાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની ભારતીય જનતા પાર્ટી સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય નેતા અને પાર્ટી છે.