આતુરતાનો અંતઃ ઈશાન મુંબઈ બેઠક માટે ભાજપના ઉમેદવાર મનોજ કોટક

મુંબઈ – આગામી લોકસભા ચૂંટણી માટે મહાનગરની મુંબઈ નોર્થ-ઈસ્ટ (ઈશાન મુંબઈ) બેઠક માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ મનોજ કોટકને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આ બેઠક પરથી 2014માં કિરીટ સોમૈયા ચૂંટાઈ આવ્યા હતા, પણ શિવસેનાનાં વિરોધને કારણે આ વખતે સોમૈયાને ટિકિટ આપવાનું ભાજપે માંડી વાળ્યું છે અને એમની જગ્યાએ અન્ય અગ્રગણ્ય ગુજરાતી મનોજ કોટકને પસંદ કર્યા છે.

કોટક હાલ મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવક છે. એ T વોર્ડમાંથી ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે.

ભાજપે ઈશાન મુંબઈ બેઠક માટે હાલના સંસદસભ્ય કિરીટ સોમૈયાને બદલે મુલુંડ ઉપનગરના રહેવાસી મનોજ કોટકને પસંદ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સોમૈયાને આ વખતે ટિકિટ ન આપવાની ભાગીદાર પક્ષ શિવસેનાએ યુતિ ટકાવી રાખવા માટે શરત મૂકી હતી.

ઈશાન મુંબઈ બેઠક માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સંજય દિના પાટીલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. પાટીલ આ જ બેઠક પરના ભૂતપૂર્વ સંસદસભ્ય છે.

મુંબઈમાં 29 એપ્રિલે મતદાન છે.

મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં મતદાન યોજાશે. એપ્રિલ 11, 18, 23 અને 29.