મુંબઈ – અહીંની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરમાં મહિલાનો વિનયભંગ કરવાના ગુનાસર ભારતીય જનતા પાર્ટીના એક નગરસેવકની ધરપકડ કરવામાં આવી છે.
મીરા-ભાયંદર મહાનગરપાલિકાના સભ્ય દૌલત ગજરેની સાથે એમના પત્ની અને દીકરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયનો જામીન પર છૂટકારો કરવામાં આવ્યો છે.
મીરા રોડના સિલ્વર પાર્ક વિસ્તારના સુંદર સરોવર કોમ્પલેક્સમાં રહેતી સાયલી ધાગ નામની 19 વર્ષીય તરુણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ તરુણી એનાં માતા-પિતા અને ભાઈની સાથે રહે છે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર, ગઈ 18 ઓક્ટોબરની રાતે લગભગ 10 વાગ્યાના સુમારે કોમ્પલેક્સમાં દશેરા પર્વ નિમિત્તે સૌ રહેવાસીઓ માતાજીની મૂર્તિનાં વિસર્જન કાર્યક્રમ માટે એકત્ર થયાં હતાં. સાયલી ધાગ પણ એમાં સામેલ હતી. અચાનક સોસાયટીની અંદર જ દૌલત ગજરેની પુત્રી કમલ, પત્ની આકાંક્ષાએ મારામારી અને ગાળાગાળી શરૂ કરી હતી. દૌલત ગજરેએ દાદાગીરી કરીને ધમકી આપી હતી.
એ સમગ્ર ઘટના વિશે સાયલીએ નોંધાવેલી ફરિયાદને આધારે કાશીમીરા પોલીસે વિનયભંગ તથા મારમારીનો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે દૌલત ગજરે તથા એની પત્ની અને પુત્રીની ધરપકડ કરી હતી. દૌલત ગજરે મીરા-ભાયંદર મહાપાલિકાના વોર્ડ નંબર-18-Aના ભાજપના નગરસેવક છે.