મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર મૂકેલા પ્રતિબંધ સામે સ્ટે ઓર્ડર આપવાનો આજે ઈનકાર કરી દીધો છે.
ન્યાયમૂર્તિઓ અભય ઓકા અને રિયાઝ ચાગલાની વિભાગીય બેન્ચે તે છતાં એ વાતની નોંધ લીધી છે કે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકાવાથી સામાન્ય નાગરિકોને એમના કબજામાં રહી ગયેલી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો નિકાલ કરવાની તકલીફ પડી રહી છે. એ માટે હાઈકોર્ટે સરકારને જણાવ્યું છે કે તે ત્રણ મહિના સુધી વ્યક્તિગત લોકો સામે કોઈ પ્રકારની ફરિયાદ કાર્યવાહી હાથ ધરે નહીં.
પ્લાસ્ટિક પરના પ્રતિબંધના મૂકાયેલા આદેશમાં સુધારા-ફેરફાર કરવા માટે પ્લાસ્ટિકના ઉત્પાદકોના એક પ્રતિનિધિમંડળે સરકારનો સંપર્ક કરવો.
કોર્ટે સરકારને પણ કહ્યું છે કે પ્લાસ્ટિક મામલે રજૂઆતો સાંભળવા માટે તે પાંચમી મે સુધીમાં નિર્ણય લે.
કોર્ટે કહ્યું છે કે પ્રાથમિક રીતે એવું માલૂમ પડ્યું છે કે સરકારે પ્લાસ્ટિક પરના પ્રતિબંધને યોગ્ય ગણાવતી પર્યાપ્ત દલીલો કરી છે અને પ્રતિબંધ વાજબી છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે ગઈ 23 માર્ચે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાં પ્લાસ્ટિકની થેલીઓ, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની ચમચીઓ, કાંટા, કપ, ગ્લાસ, ડબ્બા, 500 મિલીલિટરથી ઓછી PET બોટલ્સ અને ડેકોરેશન માટે વપરાતા થર્મોકોલના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પ્રતિબંધને મહારાષ્ટ્ર નોન-બાયોડીગ્રેડેબલ ગાર્બેજ (કન્ટ્રોલ) એક્ટ, 2006 હેઠળ મૂકવામાં આવ્યો છે.
11 એપ્રિલે સરકારે પોતાના નોટિફિકેશનમાં સુધારો કર્યો હતો અને એવી PET બોટલ્સને વાપરવાની પરવાનગી આપી છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા મટિરિયલથી બનાવી હશે.
પ્લાસ્ટિકના ઉત્પાદકોને જણાવાયું છે કે એમણે વિવિધ સ્થળોએ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ માટે કલેક્શન સેન્ટરો ખોલવા, રીવર્સ વેન્ડિંગ મશીનો તથા ક્રશિંગ મશીનો મૂકવા.
પ્લાસ્ટિક ઉત્પાદકોનો દાવો છે કે પ્લાસ્ટિક પરનો આ પ્રતિબંધ ગેરકાયદેસર છે અને રાજ્ય સરકારને આવો પ્રતિબંધ મૂકવાની સત્તા નથી. આ પ્રતિબંધ લાખો પરિવારોની આજીવિકાના મૂળભૂત અધિકારને માઠી અસર પાડે છે.
મહારાષ્ટ્રમાં દરરોજ 1200 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો ભેગો થાય છે, જેનો નિકાલ કરવાનું અત્યંત મુશ્કેલ પડે છે.