મુંબઈ – ફ્રાન્સની ટ્રેન ઉત્પાદક એલ્સટોમ કંપનીએ મુંબઈ શહેરમાં મેટ્રો રેલવે લાઈન-3 પ્રોજેક્ટ માટે 31 ટ્રેનો બનાવવાનું શરૂ કરી દીધું છે. મેટ્રો લાઈન નંબર-3 જેને ‘એક્વા લાઈન’ તરીકે ઓળખવામાં આવે છે, તે માટે એલ્સ્ટોમે આંધ્ર પ્રદેશના શ્રીસિટી ખાતે પોતાના અત્યાધુનિક પ્લાન્ટ ખાતે ટ્રેનો બનાવવાની શરૂઆત કરી દીધી છે.
મેટ્રો લાઈન-3 દક્ષિણ મુંબઈના કોલાબાના કફ પરેડથી બાન્દ્રા (બાન્દ્રા-કુર્લા-કોમ્પલેક્સ) થઈને મધ્ય મુંબઈમાં સીપ્ઝ (સાંતાક્રુઝ)ને જોડશે. આ લાઈન 33.5 કિલોમીટર લાંબી છે જેમાં ઘણો ખરો ભાગ ભૂગર્ભ છે.
આ મુંબઈની પહેલી ભૂગર્ભ મેટ્રો લાઈન હશે.
આ લાઈન પરની ટ્રેનો ડ્રાઈવર-લેસ અને સિગ્નલ સિસ્ટમ-લેસ ટેક્નોલોજીવાળી હશે.
આ રૂટ પર કુલ 27 સ્ટેશનો હશે, જેમાંના 26 અન્ડરગ્રાઉન્ડ હશે અને 1 at-grade સ્ટેશન હશે.
આ લાઈન માટેનો ટ્રેન શેડ (ડેપો) ગોરેગામ (પૂર્વ)ના આરે કોલોની વિસ્તારમાં બનાવવાનું નક્કી કરાયું છે.
એલ્સટોમ કંપની ભારત સરકારે અપનાવેલા ‘મેક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત 31 ટ્રેનો માટે 248 ડબ્બા બનાવશે. આ બધું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવી રહ્યું છે. એવા પહેલા ડબ્બાની તસવીરો રિલીઝ કરવામાં આવી છે.
મુંબઈ મેટ્રો યોજનાઓ હાથ ધરનાર MMRC (મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન) કંપનીએ મેટ્રો ટ્રેનો બનાવવા માટે 45 કરોડ 20 લાખ યુરોની કિંમતનો કોન્ટ્રાક્ટ એલ્સ્ટોમને આપ્યો છે.
એગ્રીમેન્ટ અનુસાર, એલ્સ્ટોમ 31 ટ્રેનો બનાવશે. દરેક ટ્રેનમાં 8-8 ડબ્બા હશે. ડબ્બાઓ લાઈટવેટ હશે તેમજ સંપૂર્ણપણે આધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે.
એલ્સ્ટોમ કંપનીએ આ ઉપરાંત મેટ્રો લાઈન્સ માટે પાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ પણ મેળવ્યો છે.
કંપની આ ઉપરાંત પ્લેટફોર્મ્સ પર સ્ક્રીન ડોર્સ (દરવાજા) બનાવશે, ઈન્ટીગ્રેટેડ ટેલીકોમ સોલ્યૂશન સીસીટીવીઝ, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ સુપરવાઈઝરી કન્ટ્રોલ અને ડેટા એક્વિઝિશન સિસ્ટમ પણ બનાવશે.
ટ્રેનના એક ડબ્બાની ડિઝાઈન રિલીઝ કરવામાં આવી છે, જેના પરથી જોઈ શકાય છે ડબ્બામાં પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. દરેક ટ્રેનમાં 3000 જેટલા લોકોનો સમાવેશ કરવાની ક્ષમતા હશે.
ટ્રેનોમાં સુરક્ષાને લગતી અનેક બાબતોનો ધ્યાનમાં રખાશે, જેમ કે એમાં સ્મોક ડીટેક્ટર્સ હશે, તે ઉપરાંત ઈમરજન્સી ઈન્ટરકોમ્સ, સીસીટીવી કેમેરાઝ, અગ્નિશામક સાધનો, ઈમરજન્સીની સ્થિતિમાં પ્રવાસીઓને ઝડપથી બહાર કાઢી શકાય એ માટે પહોળા કદના ડીટ્રેનમેન્ટ દરવાજા પણ હશે.
ટ્રેનના ડબ્બાઓમાં દિવ્યાંગ લોકો માટે એક-એક વ્હીલચેરની જગ્યા પણ રાખવામાં આવશે.
અજમાયશો કરાયા બાદ પહેલી મેટ્રો ટ્રેન 2020ના નવેંબરમાં ડિલિવર કરવામાં આવશે.