મેટ્રો પ્રોજેક્ટ માટે ઝાડ કાપવા નહીં: સુપ્રીમ કોર્ટનો મહારાષ્ટ્ર સરકારને આદેશ

મુંબઈ – મુંબઈમાં મેટ્રોની લાઈન-4ના બાંધકામ માટે ઝાડ કાપવા સામેના વિરોધમાં એક સામાજિક કાર્યકર્તાએ નોંધાવેલી અરજી પર મુંબઈ હાઈકોર્ટ જ્યાં સુધી કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી ઝાડ નહીં કાપવાનો સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર હસ્તકની MMRDA (મુંબઈ મેટ્રોપોલિટન રીજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી) સંસ્થાને આદેશ આપ્યો છે.

મુંબઈ મેટ્રો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ બાંધકામ માટે વૃક્ષો કાપવામાં આવે છે એના વિરોધમાં રોહિત જોશી નામના કાર્યકર્તાએ મુંબઈ હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી હતી.

મુંબઈ મેટ્રો લાઈન-4 મુંબઈના વડાલા અને પડોશના થાણે જિલ્લાના થાણે શહેરના કાસરવડાવલીને જોડે છે. આ લાઈન એલિવેટેડ કોરિડોર છે.

મુંબઈ હાઈકોર્ટે અગાઉ આપેલા ચુકાદાની સામે રોહિત જોશીએ નોંધાવેલી અપીલને પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેન્ચે હાઈકોર્ટને પરત મોકલી દીધી છે. આ બેન્ચ પર દેશના વડા ન્યાયમૂર્તિ શરદ બોબડે તથા ન્યાયમૂર્તિઓ એસ.એ. નઝીર અને સંજીવ ખન્ના છે.

મેટ્રો-4 લાઈન યોજના માટે ઝાડ કાપવા માટે MMRDAને મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના વૃક્ષ જાળવણી વિભાગે આપેલી મંજૂરીને મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખી હતી. રોહિત જોશીએ હાઈકોર્ટના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે એ જ અપીલને હાઈકોર્ટને પરત મોકલી છે.

સૂચિત મેટ્રો લાઈન પડોશના થાણે શહેરના જૂના વિસ્તારમાંના ન્યૂ થાણે મેટ્રો સ્ટેશનથી શરૂ થશે અને બે સ્થળે – ન્યૂ થાણે સ્ટેશન અને ડોંગરીપાડા ખાતે વડાલા-કાસરવડાવલી લાઈનને જોડશે.

સરકારી અધિકારીઓના વકીલે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે મેટ્રો પ્રોજેક્ટના અમલમાં થયેલા વિલંબને કારણે સરકારને મોટી આર્થિક ખોટ ગઈ છે.

હાઈકોર્ટે સંબંધિત અરજી પર 12 ડિસેંબરે નિર્ણય આપવાનું નક્કી કર્યું છે.

સરકારી વકીલે કહ્યું કે સત્તાવાળાઓએ મેટ્રો યોજના માટે કાપવા પડેલા એક ઝાડની સામે વળતરરૂપી વનીકરણ તરીકે પાંચ ઝાડ રોપ્યા છે.

સુપ્રીમ કોર્ટે રોહિત જોશીની અરજી પર સુનાવણી કરવા અને નિર્ણય આપવાની હાઈકોર્ટને વિનંતી કરી છે.

સુપ્રીમ કોર્ટના જજોએ કહ્યું કે ત્યાં સુધી ઝાડ કાપવા સામે સંપૂર્ણ મનાઈહૂકમ લાગુ રહેશે. મુંબઈ હાઈકોર્ટના નિર્ણય વગર એક પણ ઝાડ કાપવું નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]