તમે જે સ્કૂલમાં ભણો છો એના અમે હેડમાસ્ટર છીએઃ શિવસેનાનાં રાઉતે ભાજપને સંભળાવ્યું

નવી દિલ્હી/મુંબઈ – વિવાદાસ્પદ નાગરિકતા સુધારા ખરડા અંગે શિવસેનાનાં વલણ અંગે હજી કશું સ્પષ્ટ થયું નથી. આ પાર્ટી પહેલાં આ ખરડાનો વિરોધ કરતી હતી, પણ લોકસભામાં જ્યારે ખરડો રજૂ કરાયો ત્યારે એની તરફેણમાં મત આપ્યો હતો.

પરંતુ એને કારણે મહારાષ્ટ્રમાં એની સાથે સત્તામાં ભાગીદારી કરતી કોંગ્રેસ પાર્ટી નારાજ થતાં શિવસેનાએ પોતાનું વલણ બદલી નાખ્યું છે અને આજે રાજ્યસભામાં થયેલી ચર્ચામાં  શિવસેનાનાં સભ્ય સંજય રાઉતે એમના પક્ષ વતી રજૂઆત કરી હતી.

એમણે કહ્યું કે રાષ્ટ્રવાદ વિશે ભાજપે અમને કંઈ શિખડાવવાની જરૂર નથી. તમે જે સ્કૂલમાં ભણી રહ્યા છો એનાં અમે હેડમાસ્ટર છીએ.

રાઉતે કહ્યું કે, જે કોઈ આ બિલની તરફેણ કરે એ દેશભક્ત કહેવાશે અને જે સમર્થન નહીં કરે એ દેશદ્રોહી કહેવાશે એવું મેં વાંચ્યું છે.

રાઉતના આ નિવેદનથી ગૃહમાં ઉહાપોહ મચી ગયો હતો.

રાઉતે કહ્યું કે મેં એ પણ વાંચ્યું છે કે જે કોઈ આ ખરડાનો વિરોધ કરે છે એ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. આ કંઈ પાકિસ્તાનની સંસદ નથી. આ ભારતની સંસદ છે. આપણા મજબૂત વડા પ્રધાન, આપણા મજબૂત ગૃહ પ્રધાન – આપની પાસેથી બહુ આશા છે. જે સ્કૂલમાં તમે ભણી રહ્યા છો એના અમે હેડ માસ્ટર છીએ. અમારી સ્કૂલના હેડમાસ્ટર બાળાસાહેબ ઠાકરે અને અટલબિહારી વાજપેયી હતા. આપણે નિરાશ્રીતોને આશરો આપીએ છીએ તો ઘૂસણખોરોને દેશમાંથી કાઢી પણ મૂકવા જોઈએ. આપણે એમને માનવતાના ધોરણે સ્વીકારવા જોઈએ. એમની પર રાજકારણ રમવું ન જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]