મુંબઈ – લોકસભાની ચૂંટણીમાં ગઈ 29 એપ્રિલના ચોથા રાઉન્ડ વખતે મુંબઈમાં બોલીવૂડના નામાંકિત સિતારાઓએ મોટી સંખ્યામાં હાજર થઈને મતદાન કર્યું હતું, પણ એમાં અભિનેતા અક્ષય કુમાર સામેલ નહોતો એની ટીકા કરવામાં આવી હતી. અક્ષયે વોટિંગ નહોતું કર્યું એમાં સોશિયલ મિડિયા પર એને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
કેટલાકે અક્ષયના નાગરિકત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.
એ વિવાદમાં ‘ખિલાડી’ અક્ષયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક જાહેર નિવેદન દ્વારા સ્પષ્ટતા કરી છે.
અક્ષયે કહ્યું છે કે, ‘મને સમજાતું નથી કે મારી નાગરિકતા વિશે બિનજરૂરી દિલચસ્પી અને નકારાત્મક્તા શા માટે ઊભી કરવામાં આવી છે. હું કેનેડિયન પાસપોર્ટધારક છું એ હકીકતને મેં ક્યારેય છુપાડી નથી કે નકારી નથી. સાથોસાથ એ વાત પણ એટલી સાચી છે કે છેલ્લા સાત વર્ષમાં હું કેનેડા ગયો નથી. હું ભારતમાં કામ કરું છું અને મેં મારા બધા કરવેરા ભારતમાં ચૂકવ્યા છે. આટલા વર્ષોમાં મારે ક્યારેય ભારત પ્રત્યેનો મારો પ્રેમ કોઈની સમક્ષ સાબિત કરવાની જરૂર પડી નથી. તેથી મારી નાગરિકતાના મુદ્દાને સતત બિનજરૂરી વિવાદમાં ઢસડવામાં આવે છે એનાથી મને નિરાશા ઉપજી છેે, કારણ કે આ મામલો મારો અંગત છે, કાયદેસર છે, બિન-રાજકીય છે અને એની સાથે બીજા કોઈને લેવાદેવા નથી. ભારત દેશને વધુને વધુ મજબૂત બનાવવામાં હું ભલે નાના પાયે, પણ મારું યોગદાન આપવાનું ચાલુ જ રાખીશ.’
httpss://twitter.com/akshaykumar/status/1124262719840870400
ઉલ્લેખનીય છે, અક્ષયને હાલમાં જ એક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે ‘તમે વોટિંગ કરવા નહોતા ગયા એટલે સોશિયલ મિડિયા પર આજકાલ તમારી મજાક ઉડાડવામાં આવી રહી છે.’ ત્યારે અક્ષયે જવાબમાં માત્ર એટલું જ કહ્યું ‘ચલિયે બેટે’, અને એ ત્યાંથી રવાના થઈ ગયો હતો.
અક્ષયે ‘કેસરી’, ‘ટોયલેટ-એક પ્રેમકથા’, ‘પેડમેન’, ‘એરલિફ્ટ’ જેવી ફિલ્મોમાં દેશભક્ત તરીકેની ભૂમિકાઓ કરી છે.