મુંબઈ – શહેરના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એરપોર્ટના રનવેનું સમારકામ આજથી શરૂ કરવામાં આવ્યું હોવાથી અને તે મહિના સુધી ચાલવાનું હોવાથી એરપોર્ટને સપ્તાહમાં ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે.
એરપોર્ટ ખાતે બે રનવે છે. આ બંને જ્યાં ભેગાં થાય છે એ ભાગમાં સમારકામ કરવામાં આવી રહ્યું છે. એને કારણે બંને રનવેને બંધ રાખવાની જરૂર ઊભી થઈ છે.
વહીવટીતંત્રને થનાર આ ખર્ચને પગલે મુંબઈથી જતા અને મુંબઈ આવતા વિમાનપ્રવાસીઓએ વધુ ખર્ચ ભોગવવો પડશે. વિમાનભાડાં 30-50 ટકા જેટલા વધી જશે. એક અહેવાલ મુજબ, મુંબઈ એરપોર્ટ પર 7 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન આશરે 5000 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
રનવે રિપેરિંગ કામ 30 માર્ચ, 2019 સુધી ચાલવાનું છે. આ સમયગાળા દરમિયાન રનવે દર મંગળવાર, બુધવાર અને શનિવાર, એમ અઠવાડિયાના ત્રણ દિવસ બંધ રખાશે. આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ, એમ બંને પ્રકારની ઘણી ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે અથવા એમનો સમય બદલવામાં આવ્યો છે.
આ ત્રણ દિવસોએ સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી વિમાનોનાં ટેક-ઓફ્ફ અને લેન્ડિંગ કરવામાં આવશે નહીં.
આ ખર્ચને કારણે એર ટિકિટ, ખાસ કરીને દિલ્હી સેક્ટર પર 50 ટકા જેટલી મોંઘી થશે.
એરપોર્ટના બે ક્રોસ-રનવેનું રી-કાર્પેટિંગ અને રીલેઈંગ કામકાજ શરૂ કરાયું છે. આ બહુ મોટી કામગીરી હોય છે જે દર છ-સાત વર્ષે કરવી પડે છે.
અનેક ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓએ પર્યટકોને એમના પ્રવાસનું પ્લાનિંગ વહેલાસર કરવાની સલાહ આપી છે.
દિવસ દરમિયાન છ કલાક માટે એરપોર્ટ બંધ રાખવામાં આવનાર હોવાથી એર ટ્રાફિક અત્યંત ઘટી જશે. એને કારણે જ ટિકિટોનાં દર વધારવામાં આવનાર છે.
મુંબઈ એરપોર્ટ સમગ્ર વિશ્વમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંનું એક છે.
માત્ર 21 માર્ચના ગુરુવારે એરપોર્ટ આખો દિવસ ચાલુ રહેશે.
સવારના સમયની ફ્લાઈટ્સ મોડી પડશે. તે સવારે 11 વાગ્યા પહેલાં ન તો ટેક-ઓફ્ફ કરી શકશે કે ન તો લેન્ડ કરી શકશે. એવી ફ્લાઈટ્સને કાં તો રદ કરાશે અથવા ડાઈવર્ટ કરાશે.
કેટલીક એરલાઈન્સે એમની ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર કર્યો છે. કેટલીકના પ્રસ્થાનનો સમય વહેલો કર્યો છે.
તેથી વિમાનપ્રવાસીઓએ આ તારીખોએ એમની એરલાઈનનાં સંપર્કમાં રહી એમની ફ્લાઈટ વિશેની તાજી જાણકારી મેળવવી.
વળી, આ સમયગાળા દરમિયાન ટેક-ઓફ્ફસ અને લેન્ડિંગ માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પ્રાધાન્ય આપવામાં આવશે.