મુંબઈઃ ‘ગુજરાતી ભાષાના સત્વશીલ સાહિત્ય ગ્રંથો અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈને પ્રમાણમાં ઓછાં પ્રકાશિત થાય છે એવું અનુભવે જણાયું છે. જે સંખ્યામાં મરાઠી, બંગાળી કે હિન્દી ગ્રંથો ગુજરાતીમાં પ્રગટ થતા રહે છે એની સરખામણીએ વળતો વહેવાર ખૂબ ઓછો થતો રહ્યો છે.’ આ નિરીક્ષણ પછી ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર ડો.દિનકર જોષીએ ૨૦૦૫માં ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન નામના એક ટ્રસ્ટની રચના કરી હતી અને ગુજરાતી ભાષાના ચુનંદા પુસ્તકોને પસંદ કરી અન્ય ભાષાઓમાં પ્રકાશિત કરવાની એક ઝુંબેશ આદરી હતી.
પંદર વરસ ચાલેલા આ અભિયાન દરમિયાન પચાસ જેટલાં ગુજરાતી ગ્રંથો-પુસ્તકો અંગ્રેજી, હિંદી, તામિલ, મરાઠી, તેલુગુ, મલયાલમ, બંગાળી, ઓડિયા વગેરે ભાષામાં પ્રગટ થઈ ચૂક્યા છે. હવે આ સંસ્થા આ કાર્યને નવા સ્વરુપે કરવાની યોજના ધરાવે છે. જેના ભાગરુપે સંસ્થાએ તેના ભંડોળમાંથી રૂ.૧૦.૫૧ લાખ ‘સાંદીપનિ વિદ્યાનિકેતન’ અને ‘સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ’ નામ હેઠળ ચાલતી વિવિધ સાહિત્યલક્ષી પ્રવૃતિઓ માટે પ્રદાન કરવાનું પગલું ભર્યુ છે. આ પ્રવૃતિ કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રા હેઠળ ચાલે છે. આ સંસ્થાના ઉપક્રમે દર વરસે દેવર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ અને મહર્ષિ – એમ ચાર પુરસ્કાર વડે સુયોગ્ય વ્યક્તિઓનું અભિવાદન કરવામાં આવે છે.
૨૦૨૧થી ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાને પોતાની પ્રવૃતિઓને સંકેલી લઈને ભાઈશ્રીની સંસ્થાની પુરસ્કાર અભિવાદન પ્રવૃતિ સાથે સાંકળી દેવાનો નિર્ણય કર્યો છે. આ નિમિત્તે સંસ્થા દ્વારા તાજેતરમાં રૂ. ૧૦.૫૧ લાખનો ચેક સાંદીપનિ સંસ્થાને અર્પણ કરાયો હતો. દિનકરભાઈ જોષીએ આ ચેક સાંદીપનિ અને સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા કરુણાશંકરભાઈ અને રમેશભાઈ જનાણીને સુપ્રત કર્યો હતો. પરિણામે હવે પછી ભાષાકીય અને સાહિત્ય સર્જનની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા નિમિત્તે પાંચમો પુરસ્કાર દર વરસે શ્રેષ્ઠ કામગીરી માટે અપાય એવી વ્યવસ્થા કરાઈ છે.