બોરીવલીમાં ચાર-માળનું ખાલી મકાન જમીનદોસ્ત થયું

મુંબઈઃ શહેરના બોરીવલી (વેસ્ટ) ઉપનગરના સાઈબાબા નગર વિસ્તારમાં આજે બપોરે લગભગ 12.30 વાગ્યાના સુમારે ચાર-માળનું એક મકાન જમીનદોસ્ત થયું હતું. ગીતાંજલિ એપાર્ટમેન્ટ નામનું એ મકાન રાહદારીઓ તથા મકાનની સામેની બાજુએ ઊભેલાં લોકોની નજર સામે પત્તાંના મહેલની માફક જમીનદોસ્ત થયું હતું.

સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી. મહાનગરપાલિકા તંત્રએ એ મકાન બિસ્માર હાલતમાં હોવાથી એને પહેલેથી જ ખાલી કરાવી દીધું હતું. બનાવની જાણ થતાં આઠ ફાયર એન્જિન્સ સાથે અગ્નિશામક દળના જવાનો ત્યાં પહોંચી ગયા હતા.