મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લામાં 2020ની સાલની 16 એપ્રિલે બેકાબૂ લોકોનાં એક ટોળાએ બે સાધુની કરેલી હત્યાના કેસની તપાસ સીબીઆઈ કેન્દ્રીય એજન્સીને સોંપવા મહારાષ્ટ્ર સરકાર આજે સહમત થઈ છે. એક સોગંદનામામાં સરકારે કહ્યું છે કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં તેને કોઈ પ્રકારનો વાંધો નથી.
ઉલ્લેખનીય છે કે મુંબઈથી 140 કિ.મી. દૂર ઉત્તરે આવેલા પાલઘર જિલ્લાના ગડચિંછળે ગામમાં બેકાબૂ બનેલા સ્થાનિક લોકોનાં એક ટોળાએ નિર્દયતાપૂર્વક મારપીટ કરતાં 70 વર્ષના સાધુ ચિકને મહારાજ કલ્પવૃક્ષગિરી અને 35 વર્ષના સાધુ સુશીલગીરી મહારાજ તથા એમના ડ્રાઈવર નિલેશ તેલગડેનું મૃત્યુ થયું હતું. કોરોના લોકડાઉનના દિવસોમાં એ ત્રણેય જણ બાળકોને ઉપાડી જનારા ગુનેગારો હોવાની અફવા વચ્ચે લોકોના ટોળાએ તે હુમલો કર્યો હતો. તે ઘટનામાં વિભાગીય તપાસ હાથ ધરાયા બાદ 18 પોલીસ ઓફિસરોને શિક્ષા કરવામાં આવી હતી. એક આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરને બરતરફ કરવામાં આવ્યો છે જ્યારે બીજા એક સહાયક પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તથા એક પોલીસ વાહન ડ્રાઈવરને સેવામાંથી ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.