મુંબઈ – છેલ્લા એક વર્ષમાં મુંબઈ મહાનગરમાં ગંદકી ઘટવાને બદલે વધી ગઈ છે. આનો પુરાવો છે ‘સ્વચ્છ ભારત સર્વેક્ષણ-2019’ યાદીમાં મુંબઈનું બહુ ખરાબ રીતે ઉતરી ગયેલું સ્થાન. ‘સ્વચ્છ ભારત સર્વેક્ષણ-2019’ યાદીમાં દેશના 425 શહેરોનાં નામ છે. એમાં દેશની આર્થિક રાજધાની મુંબઈનો નંબર 49મો છે.
ગયા વર્ષે આ જ સર્વેક્ષણમાં મુંબઈ 18મી રેન્ક પર હતું.
આ યાદીમાં મહારાષ્ટ્રના 43 શહેરોનાં નામ છે અને એમાં પણ મુુંબઈ બહુ પાછળ છે, 11મા નંબરે છે.
ઓવરઓલ કેટેગરીમાં, મુંબઈએ 65% સ્કોર કર્યા છે અને સિટીઝન ફીડબેકમાં 68%. જોકે ગયા વર્ષે આ બંને આંક અનુક્રમે 79% અને 86% હતા.
મુંબઈ માટે એક વાત આનંદની એ છે કે એણે બેસ્ટ કેપિટલ સિટી ઈન ઈનોવેશન અને બેસ્ટ પ્રેક્ટિસીસ એવોર્ડ જીત્યો છે.
મુંબઈએ ઈનોવેશન એવોર્ડ જીત્યો એનું મુખ્ય કારણ છે – મરીન ડ્રાઈવ ખાતેનું ફાઈવ-સ્ટાર પબ્લિક શૌચાલય. આ ઉપરાંત પાલી હિલ વિસ્તારમાં વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટે પણ મુંબઈને આ એવોર્ડ જીતવામાં ભાગ ભજવ્યો છે.
મરીન ડ્રાઈવ ખાતેનું ફાઈવ-સ્ટાર જાહેર શૌચાલય મહારાષ્ટ્ર સરકારે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ ધોરણે બનાવ્યું છે. એમાં સોલાર પેનલ્સ, વેક્યૂમ ટેક્નોલોજી, મફત સેવાનો સમાવેશ કરાયો છે.
મુંબઈગરાંઓ માટે બીજી એક આનંદની વાત એ છે કે 425 શહેરોની યાદીમાં પડોશનાં નવી મુંબઈ શહેરે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.
425ની યાદીમાં ટોપ-100માં મહારાષ્ટ્રના 24 શહેરો છે. નવી મુંબઈ ઉપરાંત કોલ્હાપુર (16), મીરા-ભાયંદર (27), વસઈ-વિરાર (36), પુણે (37), નાગપુર (58), નાશિક (67), કલ્યાણ-ડોંબિવલી (77) વગેરે.