દેશભરની એરલાઈન્સ આજે વિશેષ રીતે ઉજવી રહી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

મુંબઈ – આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વ સાથે ભારત પણ જોડાયું છે અને ‘નારીશક્તિ’ની ઉજવણી કરવા એમાં ભારતની એરલાઈન્સ વિશેષ રીતે પ્રદાન કરી રહી છે.

સરકાર હસ્તકની એર ઈન્ડિયા સહિતની એરલાઈન્સ તમામ મહિલાઓ ક્રૂ સભ્યો સાથેની ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે.

એર ઈન્ડિયા તો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક, બંને રૂટ પર માત્ર મહિલાઓ સાથેની 39 ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની છે.

સ્પાઈસજેટે એવી 22 ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનું નક્કી કર્યું છે.

જેટ એરવેઝ ચાર ફ્લાઈટ ઓપરેટ કરશે જ્યારે વિસ્તારાએ દિલ્હી-ગોવા રૂટ પર તેની બે ફ્લાઈટ્સમાં માત્ર મહિલા ક્રૂ સભ્યોને જ રાખવાનું નક્કી કર્યું છે.

એર ઈન્ડિયા આજે 12 ઈન્ટરનેશનલ રૂટ પર ઓલ-વીમેન ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની છે. આ ફ્લાઈટ્સ છેઃ મુંબઈ-લંડન, મુંબઈ-દિલ્હી-શાંઘાઈ, દિલ્હી-પેરિસ, દિલ્હી-સિડની, દિલ્હી-રોમ, દિલ્હી-લંડન, મુંબઈ-નેવાર્ક, મુંબઈ-ન્યુયોર્ક, દિલ્હી-ન્યુયોર્ક, દિલ્હી-વોશિંગ્ટન, દિલ્હી-શિકાગો અને દિલ્હી-સેન ફ્રાન્સિસ્કો.

એર ઈન્ડિયાના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 40 સ્થાનિક રૂટ્સ પર મહિલા પાઈલટ્સ અને કેબિન ક્રૂ સાથેની એરબસ ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી રહી છે.

એર ઈન્ડિયાની પેટા-કંપની અલાયન્સ એર દિલ્હીથી ધર્મશાલા માટે ઓલ-વીમેન ક્રૂ ફ્લાઈટ ઓપરેટ કરશે. આ ફ્લાઈટમાં તમામ મહિલા પ્રવાસીઓને ગિફ્ટ્સ આપવામાં આવશે.

સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવવા માટે જાણીતી સ્પાઈસજેટ તમામ મહિલા ક્રૂ મેમ્બર્સ સાથે 22 ફ્લાઈટ ઓપરેટ કરશે. જે સ્ત્રીઓ વિમાનમાં એકલી પ્રવાસ કરતી હશે એમને ચેક-ઈન અને બોર્ડિંગમાં પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ મહિલા પ્રવાસીઓને ચા-કોફી જેવા ગરમ પીણા અને કૂકીઝ કોમ્પ્લીમેન્ટરી તરીકે આપવામાં આવશે.

એર વિસ્તારા એરલાઈન્સે આજના દિવસે તેની ફ્લાઈટ્સમાં મહિલાઓને વિશેષ વાનગીઓ પીરસવાનું અને મફતમાં સેનિટરી નેપ્કિન્સ આપવાનું નક્કી કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]