મુંબઈગરાંઓ માટે ખુશખબર: મુંબઈ અપગ્રેડ થઈ રહ્યું છે, લોકલ ટ્રેન નેટવર્કનો વિસ્તાર થશે

મુંબઈ – મહાનગરના રહેવાસીઓને રોજ લાખોની સંખ્યામાં મુંબઈમાં તેમજ પડોશના થાણે, પાલઘર, નવી મુંબઈ સુધી પહોંચાડનાર લોકલ ટ્રેન નેટવર્કનો વિસ્તાર થવાનો છે.

રેલવે મંત્રાલયે આ માટે મંજૂરી આપી દીધી છે.

ટૂંક સમયમાં જ પનવેલ-દિવા અને દિવા-વસઈ રેલવે લાઈનોને ઉપનગરીય વિભાગનો કાયમી દરજ્જો મળશે.

દિવા-વસઈ અને પનવેલ-દિવાને સબર્બન સેક્શનનો કાયમી દરજ્જો આપવા અંગે રેલવે બોર્ડે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

આને પગલે હવે એ દિવસો દૂર નથી જ્યારે દિવા અને વસઈ સ્ટેશનો વચ્ચે ડાયરેક્ટ લોકલ ટ્રેનો દોડતી થશે.

આ વિભાગ પર લોકલ ટ્રેન સેવા શરૂ થયા બાદ હજારો પ્રવાસીઓને રાહત અને ફાયદો થશે.

રેલવે બોર્ડની મંજૂરી મળી જતાં આ બંને વિભાગ પરના સ્ટેશનો ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે.

આને પગલે આ વિભાગના સ્ટેશનોનાં પ્લેટફોર્મ્સ પર પર એસ્કેલેટર, લિફ્ટ, ફૂલ શેડ કવર્સ જેવી સુવિધાઓ આપવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં ટ્રેનોની સંખ્યા પણ વધારવામાં આવશે.