પડોશીનો પાળેલો કૂતરો કરડી જતાં છોકરીને 45 ટાંકા આવ્યા

મુંબઈઃ અહીંના અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં શ્રીમંત રહેવાસીઓની એક હાઉસિંગ સોસાયટીમાં એક દુઃખદ બનાવ બન્યો છે. એમઆઈડીસી વિસ્તારમાં આવેલી લોધા ઈટરનિસ સોસાયટીમાં રહેતી એક 10 વર્ષની છોકરીને પડોશીનો પાળેલો જર્મન શેફર્ડ કૂતરો બહુ ખરાબ રીતે કરડી જતાં બે કલાકનું ઓપરેશન કરવું પડ્યું હતું અને 45 ટાંકા લેવા પડ્યા છે. આ જ કૂતરાએ મહોલ્લામાં રહેવાસીઓ પર હુમલો કર્યાનો આ ત્રીજો બનાવ છે.

(પ્રતિકાત્મક તસવીર)

બનાવની વિગત એવી છે કે, તે છોકરી મકાનમાં એની સહેલીનાં ઘેર જતી હતી ત્યારે પડોશીનો કૂતરો ખુલ્લા દરવાજામાંથી ઓચિંતો બહાર ધસી ગયો હતો અને છોકરીને પગમાં બટકું ભર્યું હતું. પડોશીઓએ તરત જ છોકરીનાં માતાપિતાને જાણ કરી હતી. છોકરીને તરત જ નજીકની હિરાનંદાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોકટરોએ કહ્યું કે છોકરીનાં પગનું ઓપરેશન કરવું પડશે, કારણ કે ઘા બહુ ઊંડા છે.

છોકરીનાં માતાપિતાએ આ વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કૂતરાના માલિકો સામે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 154 હેઠળ ફરિયાદ નોંધી છે. સોસાયટીના સેક્રેટરીએ પણ પોલીસ ફરિયાદમાં સમર્થન આપ્યું હતું અને કૂતરાનાં માલિકો સામે પગલું ભરવાની વિનંતી કરી છે.

આ ઈજા, ઓપરેશનને કારણે તે છોકરીને બીજું પણ ઘણું નુકસાન જશે. તે રાજ્ય સ્તરની તાએકવોન્ડો માર્શલ-આર્ટ ખેલાડી છે, પણ તે હવે એની બે આંતર-શાળા સ્પર્ધા ચૂકી જશે અને બે અઠવાડિયા સુધી શાળામાં ભણવા જઈ નહીં શકે.