મુંબઈ પોલીસે એજાઝ ખાન અને ઉલ્લુ એપના માલિકને સમન મોકલ્યુ

મુંબઈની અંબોલી પોલીસે સોમવારે અભિનેતા એજાઝ ખાનને તેમના શો ‘હાઉસ અરેસ્ટ’માં અશ્લીલ સામગ્રીના સ્ટ્રીમિંગના સંદર્ભમાં નોટિસ ફટકારી છે. નોટિસમાં એજાઝ અને ઉલ્લુ એપના માલિક બંનેને તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને કેસમાં તેમના નિવેદનો રેકોર્ડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પોલીસે કેસ નોંધ્યો
ગત અઠવાડિયે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરની ફરિયાદના આધારે મુંબઈની અંબોલી પોલીસે એજાઝ ખાન,’હાઉસ એરેસ્ટ’ ના નિર્માતા રાજકુમાર પાંડે અને ઉલ્લુ એપના અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. પોલીસે ઉલ્લુ એપ મેનેજરનું નિવેદન નોંધી લીધું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વેબ શોના એક વીડિયો ક્લિપમાં એજાઝ ખાન મહિલાઓ સહિત અન્ય સ્પર્ધકોને ઘનિષ્ઠ દ્રશ્યો કરવા કહેતો જોવા મળ્યો હતો. સ્પર્ધક અસ્વસ્થ હોવા છતાં તેમને આમ કરવાની ફરજ પાડી હતી.

શો પર પ્રતિબંધ મૂકવાની માંગ
1 મેના રોજ, મહારાષ્ટ્ર ભાજપના એમએલસી ચિત્રા વાઘે ‘હાઉસ એરેસ્ટ’ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી, અને આરોપ લગાવ્યો કે તેની સામગ્રી અશ્લીલ અને સમાજ માટે, ખાસ કરીને બાળકો માટે હાનિકારક છે. તેમણે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને આવી સામગ્રીનો પ્રચાર કરતી મોબાઇલ એપ્લિકેશનો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી પણ કરી.