મુંબઈ: કલાગુર્જરી સંસ્થા દ્વારા ‘ઉંબરો’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભાષામાં પ્રથમવાર એક નવતર પ્રયોગ ‘ચોપાલ – ચોતરે વાતો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શનિવાર, 17 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 વાગ્યે વિલે પાર્લે પશ્ચિમ સ્થિત દશરથલાલ જોશી લાઇબ્રેરીના સભાગૃહમાં યોજાશે.

ગામના ચોતરે વૃક્ષની છાયામાં બેસીને થતી વાતચીતની પરંપરાને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. હિન્દી ભાષામાં ‘ચોપાલ’ તરીકે ઓળખાતી આ પરંપરાને ગુજરાતી સંસ્કૃતિ અને ભાષા સાથે જોડીને ‘ચોપાલ – ચોતરે વાતો’ નામ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જાણીતા સેક્સોલોજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટ, ગુજરાતી નાટકોના પ્રોડ્યુસર અને નાટ્યમર્મી લલિત શાહ, ગાયક-સ્વરકાર સુરેશ જોશી તથા કવિ સંજય પંડ્યા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. સેક્સોલોજીથી સંગીત સુધી, કિશોરાવસ્થાથી નાટ્યજગત સુધી અને મનના મેઘધનુષથી જીવનના મેઘધનુષ સુધીના વિવિધ વિષયોને આવરી લેતી રસપ્રદ વાતચીત આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.

કલાગુર્જરી સંસ્થાના પ્રમુખ હેમાંગ જાંગલા દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા દરેક કલાપ્રેમીને આમંત્રણ છે. કાર્યક્રમ નિઃશુલ્ક અને જાહેર જનતા માટે ખુલ્લો રહેશે અને ઈચ્છુક દરેક સાહિત્યપ્રેમી અને કલારસિકો જોડાઈ શકે છે.
સ્થળ: દશરથલાલ જોશી લાઇબ્રેરી સભાગૃહ, ડી.જે. રોડ, વિલે પાર્લે પશ્ચિમ, મુંબઈ.
તારીખ અને સમય: શનિવાર, 17 ઓક્ટોબર, સાંજે 5:30 વાગ્યે.




