ગર્લફ્રેન્ડને પાસ કરાવવા માટે MPSCનું પેપર લીક કર્યું: છની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્ર લોકસેવા પંચ (MPSC)ની પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પરીક્ષા સાથે જોડાયેલા પેપર લીકનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં પેપર લીક પાછળ કથિત રીતે પ્રેમસંબંધનો એંગલ સામે આવ્યો છે. આરોપ છે કે એક પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાની ગર્લફ્રેન્ડને પરીક્ષામાં પાસ કરાવવા માટે પેપર લીક કર્યું હતું. આ કેસમાં પોલીસે ત્રણ અધિકારીઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે. મામલો સામે આવ્યા બાદ MPSCએ ડ્રગ ઈન્સ્પેક્ટર (ગ્રુપ-B) ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે અને તેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પરીક્ષા આ વર્ષની શરૂઆતમાં યોજવામાં આવી હતી. પોલીસ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ MPSCના આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર વિશ્વેશ્વર દત્તાત્રેય નકાટે અને ગોપાલ ભટ્ટુ મરાઠે, MPSCના અંડર સેક્રેટરી અભિજિત ગણપતરાવ લેંદવે, નંદુરબારની કૌટિલ્ય એકેડમીના ડિરેક્ટર પ્રવીણ દિલીપ પાટીલ તેમ જ બે કથિત કાવતરાખોર અમૃત નામદેવ પાટીલ અને લોકેશ ઉર્ફે ગૌરવ રાજેન્દ્ર પાટીલ તરીકે કરી છે.

પરીક્ષા પહેલાં જ પેપર મેળવી લીધું હતું

પોલીસના જણાવ્યાનુસાર આરોપીઓએ કથિત રીતે પરીક્ષા પહેલાં જ પેપર મેળવી લીધું હતું. ત્યાર બાદ તેનો અલગ સેટ તૈયાર કરીને અન્ય લોકોને આપવામાં આવ્યો હતો. આ મામલો મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ હેઠળ ડ્રગ ઈન્સ્પેક્ટર (ગ્રુપ-B)ની જગ્યાઓ માટે 22 માર્ચે યોજાયેલી ‘ઓફલાઈન સ્ક્રીનિંગ’ પરીક્ષા સાથે સંબંધિત છે. પોલીસે જણાવ્યું હતું કે નિષ્ણાતોએ કડક ગોપનીયતા નિયમો હેઠળ પ્રશ્નપત્ર તૈયાર કર્યા હતા. જોકે શંકાસ્પદ આરોપીઓએ કથિત રીતે આ ગોપનીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે પરીક્ષા પહેલાં જ પેપર મેળવી લીધું અને ત્યાર બાદ તેનો ‘ડુપ્લિકેટ સેટ’ તૈયાર કરીને અન્ય લોકોને ઉપલબ્ધ કરાવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં MPSCની પરીક્ષા પ્રક્રિયામાં ગોપનીયતાના ભંગની પુષ્ટિ થઈ છે. ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલના પોલીસ ઈન્સ્પેક્ટર મંગેશ દેસાઈની ફરિયાદને આધારે મંગળવારે FIR નોંધવામાં આવી હતી. તમામ છ આરોપીઓને સ્થાનિક સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને બીજી સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

22 માર્ચે યોજાઈ હતી પરીક્ષા

MPSCએ 22 માર્ચ 2026ના રોજ ડ્રગ ઈન્સ્પેક્ટર (ગ્રુપ-B) ભરતી માટે સ્ક્રીનિંગ પરીક્ષા યોજી હતી. ત્યાર બાદ 12 જૂન 2026ને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 506 ઉમેદવારોમાંથી 488 ઉમેદવારોના પહેલી જુલાઈથી 22 જુલાઈ દરમિયાન ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.