મ્યાનમારના ચીન રાજ્યમાં એરસ્ટ્રાઈક અને ફાયરિંગને કારણે સરહદી વિસ્તારોમાં તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. સામાન્ય લોકો ડરના માર્યા ભારતમાં પ્રવેશી રહ્યા છે. મિઝોરમના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં 5000થી વધુ લોકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા છે. તેમની વચ્ચે 39 સૈન્ય જવાનો પણ છે.
આઈજીપી લાલબિયાકથાંગા ખિયાંગતેએ જણાવ્યું કે રવિવારે (12 નવેમ્બર) સાંજે મ્યાનમારના પીડીએફએ મ્યાનમાર આર્મી પોસ્ટ પર હુમલો કર્યો. ગઈકાલે (સોમવાર, 13 નવેમ્બર) PDF એ મ્યાનમારની બે પોસ્ટ કબજે કરી. પરિણામ એ આવ્યું કે મ્યાનમારના લશ્કરી જવાનોએ મિઝોરમમાં આશ્રય લેવાનું શરૂ કર્યું. તેમાંથી 39 લોકોએ મિઝોરમ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. IGPએ વધુમાં કહ્યું, 5,000 થી વધુ લોકોએ સરહદ નજીકના બે ગામોમાં આશ્રય લીધો હતો અને અમારા લગભગ 20 નાગરિકો પણ ઘાયલ થયા હતા. જેમાંથી આઠને વધુ સારી સારવાર માટે આઈઝોલ લાવવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. અત્યારે ઘણી શાંતિ છે, પરંતુ અમને ખબર નથી કે મ્યાનમારની સેના હવાઈ હુમલા કરશે કે નહીં. “અમે આ સમયે હવાઈ હુમલાને નકારી શકતા નથી.
લોકો મિઝોરમમાં કેમ પ્રવેશી રહ્યા છે?
મિઝોરમના ચંફઈ જિલ્લાના ડેપ્યુટી કમિશનર (ડીસી) જેમ્સ લાલરિંચનાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મ્યાનમારમાં શાસક જંટા દ્વારા સમર્થિત સુરક્ષા દળો અને મિલિશિયા જૂથ ‘પીપલ્સ ડિફેન્સ ફોર્સ’ વચ્ચે રવિવારે સાંજે ભીષણ ગોળીબાર થયો હતો. ચંફઈ જિલ્લો પડોશી દેશના ચીન રાજ્ય સાથે તેની સરહદ વહેંચે છે. આ કારણોસર લોકો મિઝોરમમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પીડીએફએ ભારતીય સરહદ નજીક ચીન રાજ્યમાં ખાવમાવી અને રિખાવદરમાં બે સૈન્ય સ્થાનો પર હુમલો કર્યો ત્યારે લડાઈ શરૂ થઈ. જવાબમાં મ્યાનમારની સેનાએ ખાવમાવી અને રિહખાવદર ગામો પર હવાઈ હુમલા કર્યા હતા.