ચોમાસુ સત્રઃ સંસદમાં રજૂ થશે નવું ઇન્કમ ટેક્સ બિલ

નવી દિલ્હીઃ સરકાર ટૂંક સમયમાં નવું આવકવેરા બિલ સંસદમાં રજૂ કરી શકે છે. આ બિલ 11 ઓગસ્ટે લોકસભામાં રજૂ થવાની શક્યતા છે. જોકે તેમાં વધુ સુધારાઓ માટે તેને શિયાળા સત્ર સુધી મુલતવી રાખવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ બિલ હાલના ચોમાસુ સત્રના એજન્ડામાં સમાવિષ્ટ છે.

નવા આવકવેરા બિલનો હેતુ

1961ના જૂના આવકવેરા અધિનિયમને સરળ અને આધુનિક બનાવવાનો છે. સરકાર આ બિલને 1 એપ્રિલ 2026થી અમલમાં લાવવાની યોજના બનાવી રહી છે.

શું હશે બિલમાં મુખ્ય ફેરફાર?

સંસદીય પસંદગી સમિતિની ભલામણોને આધારે બિલમાં 285 સુધારાઓ કરવામાં આવ્યા છે. તેમાંના મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:

* એલએલપી (LLP) માટે મૂડી લાભ (કેપિટલ ગેઈન)ના નિયમોમાં સુધારો

* કોર્પોરેટ ડિવિડન્ડ ડિડક્શનમાં ફેરફાર

* નક્કી કરાયેલા કેટલીક લેવડદેવડ પર હવે TDS લાગુ નહીં પડે

* આ તમામ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કર વ્યવસ્થાને સરળ અને પારદર્શક બનાવવાનો છે

સરકારે સંસદીય પસંદગી સમિતિની મોટા ભાગની ભલામણોને સ્વીકારી લીધી છે. સમિતિ માને છે કે બિલને પસાર કરતા પહેલાં તેમાં વધુ ટેક્નિકલ સુધારાઓ જરૂરી છે, જેથી તે લાગુ થયા પછી કોઈ તકલીફ ઊભી ન થાય. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નવો કાયદો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. તેની સીધો અસર સામાન્ય કરદાતાઓ, કોર્પોરેટ્સ અને રોકાણકારો પર પડશે.